પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદીઓએ ઈરાની અધિકારીની કરી હત્યા
ઈરાનની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પરેશાન છે. અફઘાનિસ્તાનની સરહદે આવેલા દેશના અશાંત દક્ષિણ-પૂર્વ પ્રાંતમાં આતંકવાદીઓએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના એક અધિકારીની ગોળી મારીને હત્યા કરી નાખી છે.
સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આ હુમલો ઈરાને પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી જૂથ જૈશ-ઉલ-અદલના બે ઠેકાણા પર હુમલો કર્યાના એક દિવસ બાદ થયો છે. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને ઈરાનને ચેતવણી આપી હતી કે જો હવાઈ હુમલો કરવામાં આવશે તો “ગંભીર પરિણામો”નો સામનો કરવો પડશે. હવે ઈરાની સૈન્ય અધિકારીને નિશાન બનાવીને થયેલો આતંકવાદી હુમલો બદલો લેવાનું કૃત્ય લાગે છે.
IRNAએ કહ્યું, ‘હુમલાખોરોને ઓળખવા અને તેનો પીછો કરવાના પ્રયાસો ચાલુ છે.’ અગાઉ, પાકિસ્તાને ઈરાનમાંથી તેના રાજદૂતને પાછા બોલાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેહરાને પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરીને તેની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. ઈરાનના હુમલાઓને “ગેરકાયદેસર કૃત્યો” ગણાવતા પાકિસ્તાને કહ્યું કે તેણે તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે.
જૈશ-ઉલ-અદલ પર શંકા
ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ મુજબ, જૈશ ઉલ-અદલ નામના આતંકવાદી સંગઠને અગાઉ પાકિસ્તાનને અડીને આવેલા સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમે કહ્યું, ‘પાકિસ્તાનમાં જૈશ-અલ-ધુલમ (જૈશ-ઉલ-અદલ) આતંકવાદી જૂથના બે મોટા ઠેકાણાઓને ખાસ નિશાન બનાવીને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા.’
ઈરાન સતત ચેતવણી આપી રહ્યું છે કે જૈશ-ઉલ-અદલ આતંકવાદી જૂથ તેના સુરક્ષા દળો પર હુમલો કરવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યું છે અને બલૂચિસ્તાનના સરહદી શહેર પંજગુરમાં તેનો અડ્ડો છે. પાકિસ્તાને કહ્યું કે, ‘ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી પાસે પહેલેથી જ આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.





