લ્યો બોલો ગામના સરપંચે જ દુકાનદારને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.
ગામના સરપંચ અગાઉની ઉધારી ચૂકવતા ન હોય પાનની દુકાનના સંચાલકે ઉધારમાં માલ આપવાની ના પાડતા સરપંચ તેમજ તેમના પિતા સહિતના ચાર શખ્સોને સાથે લાવી દુકાનદારને ધોકાવી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સરવડ ગામના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા ગામમાં આવેલ વિવેક પાન નામની દુકાને ઉધારના ચીજ વસ્તુ લેવા જતા દુકાનદાર જયસુખભાઈ છગનભાઇ જાકાસણીયાએ ઉધારમાં માલ આપવાની ના પાડતા સરપંચ લાલઘૂમ બન્યા હતા.બાદમાં સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા તેના પિતા શાંતિલાલ લાલજીભાઈ સરડવા, રાજેશ દેવજીભાઈ સરડવા અને પુનિત પ્રભુભાઈ સરડવા નામના શખ્સો ફરિયાદી જયસુખભાઈની દુકાને ધસી આવ્યા હતા જ્યાં સરપંચના પિતાએ જયસુખભાઈને પકડી રાખતા સરપંચ નવનીત સહિતના શખ્સોએ ધોકા વડે માથામાં તેમજ હાથમાં ઇજા કરી અન્ય આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ ચકચારી બનાવ અંગે માળીયા પોલીસે સરપંચ સહિતના શખ્સો વિરુદ્ધ આઇપીસી કલમ 323, 324, 504, 506 (2),114 તેમજ જીપી એકટની કલમ 135 અન્વયે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





