વાત કરીએ મોરબીના વિકાસની તો જ્યારે સમગ્ર રાજ્યમાં અને દેશમાં સુશાસનના ગીત ગવાય છે ત્યારે આપણા મોરબી સાથે જ ઓરમાયું વર્તન કેમ ?મોરબી જ વિકાસથી વંચિત કેમ ? એક વાત તો ચોક્કસ પણે કહું કે કોઈપણ વિસ્તાર, ગામ, શહેર, તાલુકો કે જીલ્લાની પ્રજા અન્યાય સામે લડી ન શકે અને જે પ્રજા પોતાનો હક્ક મેળવી ન શકે તેવી પ્રજાના આગેવાનનો વિકાસ થાય એ દેખીતી વાત છે અને મોરબીને એક સુશાસન અને સુચારુ નેતૃત્વની ખામી હમેંશા રહી છે જ્યારે ચૂંટણી આવે ત્યારે બેહદ ડંફાશ કરી મારા ભળકી ગ્યા ભોરૂડા હરણા જેવો ઘાટ સર્જાય છે.
આ ઉપરાંત રાજકોટ, જામનગર, બરોડા અને સુરત સહિતના શહેરો કે જ્યાં ખરેખર વિકાસ દેખાય છે જેમાં સ્વચ્છ વિસ્તાર, સારી સરકારી હોસ્પિટલો અને સારા ઔદ્યોગિક વિસ્તારને સુવિધા સભર જોતા એક કહેવત યાદ આવે કે જ્યાં જણનારીમાં જોર નો હોઈ ત્યાં સૂયાણી શું કરે ! તેવી વાત છે. પણ જો પ્રચંડ વેગે પ્રજા જાગૃત થશે તો ચોક્કસ આપણું મોરબી કચરા મુક્ત, ખરાબ રસ્તા મુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ બોલે તો ! બાકી હું નહીં બોલું, મને બીક લાગે, મારા સગા છે અને મારે ન બોલાય ખરાબ લાગે એવો ઘાટ હાલમાં મોરબીમાં છે. એક ભજનમાં પણ કહ્યું છે કે, દોરંગા રે ભેળા રે નવ બેસીએ, એજી એમાં પત રે પોતાની જાય રે ! જેવી વાત છે.
આ લેખનો મુખ્ય ઉદેશ એક જ છે કે મોરબીવાસીઓ સાચું બોલતા થાય અને પોતાના હક માટે જાગૃત બને તેમજ શહેરને એક અલગ સુખાકારી અપાવે. – પત્રકાર મેહુલ ગઢવી (9978388383)
