મોરબી સિપાઈવાસમાં યુવાનની હત્યા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ
મોરબી શહેરના સિપાઈવાસ જમાદાર શેરીમાં રહેતા મોહસીનભાઈ ફારુકભાઈ કુરેશી (33)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ખાલીદ ફિરોજભાઈ સમા, શકીલ ફિરોજભાઈ સમા અને ફિરોજભાઈ ઉસ્માનભાઈ સમા રહે. બધા સિપાઈવાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ખાલીદ સમાએ પોતાના મોબાઈલ ફોનમાંથી ફરિયાદીને ફોન કરીને “તું ક્યાં છો ?, તું મારી વહુ સામે શું કાતર મારે છે ? તેમ કહીને ફરિયાદીને સિપાઈવાસમાં બોલાવવામાં આવ્યો હતો જેથી ફરિયાદી યુવાન અને તેના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી (22) રહે. સિપાઈવાસ મોરબી વાળા મોરબીમાં આવેલ ગઢની રાંગ પાસે કે.આર. હેન્ડલુમની દુકાન પાસે ગયા હતા અને ત્યાં ત્રણેય આરોપીઓ હાજર હતા ત્યારે ખાલીદ સમાએ ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીને કપાળના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને ફિરોજભાઈએ ફરિયાદીનો કાંઠલો પકડી રાખીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ શકીલ સમાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી પર હુમલો કરવા જતા ફરિયાદી પોતાનો હાથ આડો રાખી દીધો હતો જેથી તેને જમણા હાથની ટચલી આંગળીમાં ઇજા થઈ હતી અને ફરિયાદીને માર મારી રહેલા ત્રણેય શખ્સોને સમજાવવા માટે ગયેલ ફરિયાદીના બનેવી મકબુલ મહમદભાઈ કુરેશી પર ખાલીદ સમાએ છરી વડે હુમલો કરીને પડખાની ડાબી બાજુએ છરીનો ઘા માર્યો હતો તેમજ શકીલ સમાએ છરી વડે મકબુલભાઈને ગળાના ભાગે ઇજા કરી હતી અને ફિરોજભાઈએ પથ્થરના છુટા ઘા મારીને માથામાં ઇજા કરી હતી જેથી આ બનાવમાં ઇજા પામેલ ફરિયાદી અને તેના બનેવીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન ફરિયાદીના બનેવી મકબુલભાઈ મહમદભાઈ કુરેશીનું મોત નિપજ્યું હતું જેથી કરીને હત્યાના આ બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે





