મોરબીના શિક્ષણ વિભાગના હકારાત્મક અભિગમને કારણે અકસ્માતથી ઘવાયેલ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપી શક્યો
મોરબી: હાલ ધો.10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે મોરબી શિક્ષણ વિભાગનો હકારાત્મક અભિગમ સામે આવ્યો છે. ધો.10ના વિદ્યાર્થીને હાથમાં ઈજા પહોચી હોવાથી પરીક્ષા ન આપી શકે તેવી સ્થિતિમાં શિક્ષણ વિભાગે વિદ્યાર્થીને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
જેમાં મોરબીના પીપળીયા ગામના બોપલીયા યુગ ભરતભાઈ ધો.10ની હાલ પરીક્ષા આપી રહ્યો છે. જેમાં ગઇકાલે મશીનમાં આંગળી આવી જતા ઇજા પહોંચી હતી. જેથી મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે તેણે સારવાર લીધી હતી. ત્યારે આવી સ્થિતિમાં યુગ બોપલિયા પરીક્ષાને લઈને ચિંતિત બન્યો હતો. અને આવી સ્થિતિમાં પરીક્ષા ન આપી શકવાને કારણે રાઇટર તરીકે વિદ્યાર્થી પરીક્ષા આપે તે માટે પરિવારના સભ્યોએ શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા પ્રમુખ દિનેશભાઈ વડસોલાનો સંપર્ક સાંધ્યો હતો. અને તેમણે DEO કમલેશભાઈ મોટા તેમજ પ્રવિણભાઈ અંબાણીને જાણ કરતા શિક્ષણ વિભાગે હકારાત્મક અભિગમ દાખવી રાઇટર વિદ્યાર્થી પેપર આપી શકશે તેમ જણાવ્યું હતું.
સમગ્ર બાબતે અંતે વિદ્યાર્થી યુગ બોપલીયાએ વર્ષ દરમિયાન કરેલ મહેનત અને તમામ પેપર સારી રીતે ગયા હોય અને બાકી રહેલ બન્ને પેપર પણ સારી રીતે જાય તે માટે પોતે જ પરીક્ષા આપવા નિર્ધાર કર્યો હતો. અને શિક્ષણ વિભાગના હકારાત્મક અભિગમથી તેમનામાં પણ આત્મબળ કેળવાય જતાં આજે યુગ બોપલીયાએ પરીક્ષા આપી હતી. જ્યારે પરિવાર સહિત શૈક્ષણિક મહાસંઘ પ્રમુખ દિનેશભાઈ વડસોલાએ કમલેશભાઈ મોતા ડિઈયો અને પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયાની કામગીરીને હકારાત્મક અભિગમને બિરદાવી હતી.





