Sunday, March 8, 2026

માલધારી યુવાનની માણસાઈ : દેવાંગ રબારીની કલમે !

Advertisement
Advertisement
Advertisement

એક વર્ષ પહેલા વરસાદમાં તણાઈ ગયેલો રૂપિયા ભરેલો ડબ્બો માલધારીને મળતા મૂળ માલિકને પરત કર્યો

ખેડૂતે ઘર બનાવવા ભેગા કરેલા રૂપિયાનો ડબ્બો લીંબુડીના થડીયામાં દાટ્યો હતો

કહેવાય છે કે, પરસેવાની કમાણી ક્યારેય ફોગટ નથી જતી… આવો જ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરતો કિસ્સો મોરબી જીલ્લા હળવદ પંથકમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં એક વર્ષ પહેલાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ખેડૂતે ઘર બનાવવા માટે ભેગા કરેલા રૂપિયાનો ડબ્બો તેમની વાડીએ લીંબુડીના થડીયામાં દાટ્યો હતો જે મુશળધાર વરસાદમાં તણાઈ ગયો હતો. આ રૂપિયા ભરેલો ડબ્બો હવે એક વર્ષ બાદ ત્રણ કિલોમીટર દૂરથી નદીના પટ્ટમાં ભેંસો ચરાવતા માલધારી યુવકને મળી આવ્યો હતો અને ડબ્બામાં 22 હજાર રૂપિયા ભરેલા હતા જેથી માલધારી યુવકે મૂળ માલિકને શોધીને તેનો ડબ્બો પરત કર્યો હતો. ડબ્બાના માલિકે માલધારીને ભેટ તરીકે બે હજાર રૂપિયા આપ્યા હતા પરંતુ માલધારી યુવાને રૂપિયા લેવાની ના પાડીને તેની માણસાઈના દર્શન કરાવ્યા હતા.

આ અચરજભર્યા કિસ્સાની વાત કરીયે તો.. હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા મુન્નાભાઈ જહાભાઈ ઠાકોરે ઘર બનાવવા માટે ભેગા કરેલા રૂપિયા 22 હજાર ભરેલો ડબ્બો ગયા વર્ષે તેમની વાડીએ લીંબુડીના થડીયામાં દાટ્યો હતો ત્યારે ગતવર્ષે રણછોડગઢ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જે વરસાદને પગલે મુન્નાભાઈની વાડીએ ઝુંપડા સહિતની ઘરવખરી તણાઈ ગઈ હતી અને તેની સાથે રૂપિયા ભરેલો ડબ્બો પણ તણાઈ ગયો હતો. પરસેવો પાડીને ભેગા કરેલા રૂપિયા તણાઈ જતા મુન્નાભાઈ ખુબ નિરાશ થઈ ગયા હતા. તેમણે વરસાદ બાદ ડબ્બો શોધવા ખુબ પ્રયાસ કર્યા પરંતુ તેને તે ડબ્બો મળ્યો નહીં ત્યારબાદ તેઓ પરાણે મન વાળીને ફરી પોતાના કામમાં જોતરાઈ ગયા.

એક વર્ષ બાદ વરસાદ ખેડૂતનો રૂપિયા ભરેલો ડબ્બો લઈને આવ્યો !

ખેડુત મુન્નાભાઈ ઠાકોરનો ડબ્બો તણાઈ ગયાના એક વર્ષ બાદ એટલે કે બે ત્રણ દિવસ પહેલા હળવદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તે દરમિયાન અચરજ પમાડતી ઘટના બની જેમાં મુન્નાભાઈનો રૂપિયા ભરેલો જે ડબ્બો ખોવાયો હતો તે ડબ્બો તેના ગામની બાજુમાં આવેલા સરંભડા ગામમાં માલધારી યુવાન મુકેશભાઈ દોરાલાને મળ્યો હતો. મુકેશભાઈ જ્યારે નદીના પટમાં ભેંસો ચરાવતા હતા ત્યારે એક પ્લાસ્ટિકની થેલી પર તેઓએ લાકડી અથડાવતાં ખખડવાનો અવાજ આવ્યો હતો જેથી તેમણે જોયું તો સ્ટીલનો ડબ્બો હતો અને ડબ્બો ખોલ્યો તો ડબ્બામાં 22 હજાર રૂપિયા હતા.

માલધારી યુવાન મુકેશભાઈ દોરાલાને જૂની વાત યાદ આવી કે રણછોડગઢ ગામના ખેડૂત મુન્નાભાઈનો રૂપિયા ભરેલો ડબ્બો તણાઈ ગયો હતો જેથી મુકેશભાઈએ મુન્નાભાઈને ફોન કરીને ખરાઈ કરવા પૂછ્યું હતું કે કેટલી નોટો હતી જેથી મુન્નાભાઈએ કહ્યું હતું કે 100 વાળી નોટો 20 હજારની છે અને એક 2 હજારની નોટ છે જેથી માલધારીએ મુન્નાભાઈને કહ્યું હતું કે તમારા જ રૂપિયા છે, આવીને લઈ જાઓ ત્યારબાદ મુન્નાભાઈએ ત્યાં જઈને માલધારી યુવાન મુકેશભાઈ પાસેથી તેમનો રૂપિયા ભરેલો ડબ્બો પરત મેળવ્યો હતો.

ભેંસો ચરાવતા માલધારી યુવાને પ્લાસ્ટિકની થેલી સાથે લાકડી અથડાવી તો ડબ્બો ખખળ્યો !

આ અંગે માલધારી યુવાન મુકેશભાઈ દોરાલા જણાવે છે કે, ગયા વર્ષે વરસાદ થયો એ વખતે રણછોડગઢ ગામના ખેડૂત મુન્નાભાઈના મકાનનું કામ ચાલુ હતું અને મુન્નાભાઈએ નદીના કાંઠે પૈસા ભરેલો ડબ્બો દાટ્યો હતો ત્યારે ધોધમાર વરસાદને કારણે પાણીના વહેણમાં રૂપિયા ભરેલો ડબ્બો વહી ગયો હતો અને પછી નદીમાં ક્યાંક દટાઈ ગયો હશે. બે દિવસ પહેલા અમારે ત્યાં બહુ વરસાદ પડ્યો હતો એ વખતે રૂપિયા ભરેલો ડબ્બો પાછો બહાર આવી ગયો. હું ભેંસો ચરાવવા મારા સરંભડા ગામના નદીના પટમાં ગયો હતો ત્યારે ત્યાં એક પ્લાસ્ટિકના ઝબલામાં સ્ટીલનો ડબ્બો પેક થયેલો પડ્યો હતો એટલે મેં માર્યું તો ખખડ્યું. મને લાગ્યું કે નાળીયેર હશે પરંતુ ખોલ્યું તો અંદરથી ડબ્બો અને પૈસા નીકળ્યા.

આ ઉપરાંત મુકેશભાઈ જણાવે છે કે, મને મુન્નાભાઈએ કહી રાખ્યું હતું એટલે મેં તેમને ફોન કરીને ખરાઈ કરવા ખોટું બોલીને કહ્યું કે, પાંચસો પાંચસો રૂપિયાની નોટો મળી છે તો મુન્નાભાઈએ કહ્યું કે મારી પાંચસોની નોટો નહીં, પણ સો – સો અને બે હજારની નોટ હતી પછી મને પાકી ખાતરી થઈ ગઈ એટલે મેં તેમને કહ્યું કે તમારી હોય તો લઈ જાઓ. એ પછી તેમણે મને બે હજાર રૂપિયા આપ્યા, પણ મે કીધું મારે નથી જોઈતા પછી તેમણે સરંભડામાં ઝરમરદાદાના મંદિરની પેટીમાં 1 હજાર રૂપિયા નાખ્યા હતા.

-દેવાંગ રબારી, મોરબી (8238804444)

Related Articles

Total Website visit

1,595,089

TRENDING NOW