હળવદ : વર્તમાન સમયમાં સરકારી નોકરી ભારે દોહ્યલી બની છે. સરકારી દફતરમાં કામ કરવાની તક શિક્ષિત યુવાનોને હાલ મળવી લોઢાના ચણા ચાવવા જેવી મુશ્કેલ છે ત્યારે હળવદ તાલુકાના મયુરનગરના નવયુવાન જગદીશભાઈ દલવાડીએ રેવન્યુ વિભાગમાં ક્લાર્કની નોકરીને અલવિદા કરવા સાથે ઘર પરીવાર અને ભૌતિક સંસારનો મોહ ત્યાગી ભગવા ધારણ કરી વૈરાગના માર્ગે સાધુતા તરફ પ્રયાણ કર્યું હતું. પરીવારના યુવાન પુત્રની સંસાર ત્યજી ભક્તિના કઠીન માર્ગે જવાની હઠ સ્વીકારી ઘર – પરિવાર અને ગ્રામજનોએ વાજતે ગાજતે ભાવભેર વિદાય આપી હતી.

હળવદ તાલુકાના નાનકડા મયુરનગર ગામે રહેતા રાઘુભાઈ દલવાડીના ત્રણ સંતાનો પૈકીના એક પુત્રનું અકસ્માતમાં મૃત્યુ નિપજયા બાદ બે પુત્રો પૈકીના એક પુત્ર જગદીશભાઈને શિક્ષિત હોય પરીક્ષામાં ઉત્તિર્ણ થતા લાયકાત મુજબ સરકારી નોકરી મળી ગઈ હતી અને તેઓને સરકારના રેવન્યુ વિભાગમાં સિલેક્ટ થતા નોકરી મળી ગઈ હતી. પ્રારંભે હળવદ, માળીયા બાદ વાંકાનેર ખાતે મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ નિયુક્ત થયા હતા. પુત્રને સરકારી નોકરી મળતા દલવાડી પરિવાર ભારે ખુશી સાથે આનંદ કિલ્લોલ કરતા રહેતા હતા પરંતુ વાંકાનેર ખાતે મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ત્રીસ વર્ષિય જગદીશ કંઝારીયા પોતાની ફરજ કરતા ધરમ ધ્યાન અને ભક્તિમાં વધુ મસ્ત રહેતા હતા. બાળપણથી જ તેઓ ભક્તિના માર્ગે જવાની ઈચ્છા વ્યક્ત કરતા રહેતા હતા. ફરજમાં મન લગાડવાને બદલે સતત સનાતન ધર્મના માર્ગે જવામાં તેનુ હૃદય લાગી રહેતુ હતું અને છેલ્લા બે’ક વર્ષથી તેઓ ફરજમાં હાજર થતા ન હોવાથી તંત્રએ નોટીસો પણ ફટકારી હતી પરંતુ કારકુનની કલમ ચલાવવામાં મન ચલિત રહેતુ હોય અને મનપસંદ ધરમ ધ્યાનના કરતાલ કાયમ વગાડવામાં લીન રહી ફરજમાં હાજર થયા નહોતા અને અંતે, કંઝારીયા જગદીશભાઈ રાઘવજી દલવાડીએ પોતાના ઘરે પરિવારના તમામ સગા સ્નેહીઓને સંસાર ત્યજી દેવાની વાત ખુલ્લા મને કહી ભૌતિક સંસારનું સુખ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી પોતાને સાધુ બની ભક્તિના માર્ગે પ્રયાણ કરવાની વાતનો પ્રસ્તાવ મુકી એમાં પોતે નિર્ણયમાં દઢ હોવાનો ભાર પણ મુકયો હતો.
પ્રારંભે ઘર પરીવારમાં આધારસ્તંભ આશાસ્પદ યુવાનની વાત સાંભળી ધ્રાસકો પડ્યો હતો પરંતુ જગદીશભાઈના મક્કમ નિર્ધારને રોકી શકાય તેમ ન હોવાનું સમજીને સંસાર ત્યાગને કઠણ કાળજે સ્વિકારી મહા શિવરાત્રી પર્વે જગદીશભાઈમાંથી જગદીશબાપુ બની ગયેલા યુવાનને પરિવારજનો અને સમસ્ત ગ્રામજનોએ હસતા હસતા ખુશીથી ઢોલ-નગારાના તાલે ભાવભેર વિદાય આપતા જગદીશબાપુ પૂર્વ દિશામાં સાધુ બની ભક્તિના માર્ગે ઘર-પરિવાર સગા સંબંધી અને વતનને અલવિદા કરી નીકળી પડ્યા હતા.





