માળીયા, મોરબી એ.પી.એમ.સી. અને લજાઇ ચોકડી ટંકારા ખાતે રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું મોરબી જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું
ગુજરાત પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે કચ્છના લખપતથી કેવડીયા સુધી બાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી તા. ૨૧ ઓક્ટોબરના રોજ સવારે માળીયા ખાતે આવી પહોંચતા મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાની આગેવાની હેઠળ જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અદકેરુ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય એકતાના પ્રણેતા સરદાર વલ્લભભાઇ પટેલના સંસ્મરણો અને દેશદાઝને આવનારી પેઢીમાં જીવંત રાખવા ડીવાયએસપી બી.એમ. દેસાઇના નેતૃત્વ હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું માળીયા થી મોરબી વચ્ચે મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા તમામ બાઇકર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
માળીયા ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમ કચ્છના લખપત થી કેવડીયા સુધી ૨૫ બાઇકર્સનું ભવ્ય સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પ્રારંભ થયેલી રાષ્ટ્રીય એકતા બાઈક રેલીએ દેશ અને દુનિયામાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા તેમજ આવનારી પેઢી પણ રાષ્ટ્રીય એકતાના તાંતણે બંધાઇ ભારત દેશની એકતા, વિકાસ અને ઉન્નતિ માટે તૈયાર થાય તેવા સંદેશ સાથે તમામ બાઇકર્સ દ્વારા લોહપુરૂષને સ્મરણાજંલિ આપવામાં આવી હતી.
મોરબી જિલ્લાના વિવિધ સ્થાનો પર નગરજનો અને ગ્રામજનો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા બાઈક રાઈડરોનું મનોબળ વધારવામાં આવ્યું હતું.
આ પ્રંસગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ પ્રાસંગીક પ્રવચન દરમિયાન રેલીનો ઉદ્દેશ્ય અને પ્રાસંગીકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ડીવાયએસપી પઠાણ દ્વારા સ્વાગત પ્રવચન તેમજ પી.એસ.આઇ. એન.એચ. ચૂડાસમાએ આભારવિધિ કરી હતી.
માળીયા ઉપરાંત મોરબી એ.પી.એમ.સી. ખાતે યોજાયેલ સન્માન અને સ્વાગત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. મોરબી એપીએમસી ખાતે જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરાએ સ્વાગત તેમજ આભાર વિધિ ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રેલીનું ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કુલ, લજાઇ ચોકડી, ટંકારા ખાતે પણ ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મોરબીથી આ એકતા રેલી રાજકોટ, અમદાવાદ, ખેડા, નડીયાદ, કરમસદ, આણંદ, ભરૂચ, બારડોલી સુરતથી કેવડીયા પહોંચશે.
રાષ્ટ્રીય એકતા બાઈક રેલીને પોંખવા અને સન્માન કાર્યક્રમમાં મોરબી ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા, એપીએમસીના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જ્યારે માળીયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી પઠાણ, મામલતદાર ડી.સી. પરમાર, ટીડીઓ કોંઢીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા, જેસંગભાઇ હુંબલ, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, પીએસઆઇ માળીયા નરેન્દ્ર ચૂડાસમા, માળીયા નગરપાલિકા પ્રમુખ હારુનભાઇ સંઘાણી, સહિત પોલીસ જવાનો, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.





