મોરબીના રફાળેશ્વર ફાટકની બાજુમાં આવેલ જીયોટેક કારખાનાની ઓરડીની દીવાલ પડતાં બે શ્રમિકોનાં મૃત્યુ નીપજ્યા છે. જ્યારે અન્ય બે સભ્યો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ રફાળેશ્વર ફાટકની નજીક આવેલ જીયોટેક કારખાનાની ઓરડીમાં મોડી રાત્રીના દોઢ વાગ્યાની આસપાસ શ્રમિક પરિવાર સૂતો હતો. ત્યારે અચાનક જ ઓરડીની દીવાલ ધસી પડતાં માતા-પુત્ર દીવાલ નીચે દબાઈ જતાં મોત નિપજ્યા હતા. શ્રમિક પરીવારના ફૂલકેસરી દેવી રામજી કુમાર માથુર (ઉં.વ.28), પવન રામજી કુમાર માથુર (ઉંવ.13)ના દીવાલ નીચે દબાઈ જતાં મોત નીપજ્યા હતા. જ્યારે રામજીભાઈ રામસંકરભાઈ (ઉ.વ.32), સોનું રામજીભાઈ (ઉં.વ.10) ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ મોરબી સિવિલ 108 ની ટીમને થતાં મોડી રાત્રીએ જ 108 ટિમના પાઇલોટ નિલેશ આહીર અને EMT અજય બારીયા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. અને ઇજાગ્રસ્ત પિતા પૂત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા જ્યારે માતા પુત્ર ના મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. નાના એવા શ્રમિક પરિવારમાં એક જ સાથે માતા પુત્રના અચાનક મોત થઈ જતા બિહારી શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો છે.






