મોરબીની લખધીરસિંહજી એન્જિન્યરિંગ કોલેજનું મકાન જે તે વખતના રાજવીએ પોતાનો પેલેસ આપીને તેમાં સને. ૧૯૫૧ માં ઇજનેર કોલેજ ચાલુ કરાવી હતી. એલ.ઈ. કોલેજ જે તે વખતે દેશની પ્રથમ ૧૦ ઈજનેરી કોલેજો પૈકીની એક ગણાતી હતી. આ કોલેજમાં સને. ૧૯૭૫ થી ૧૯૮૨ સુધી અભ્યાસ કરી ગયેલા વિધાર્થીઓનું એક ગ્રુપ કે જે લેન્કો પરિવાર તરીકે કાર્યરત છે.
તે ગ્રુપના વિનોદભાઇ રાડદિયા, એન.આર. હૂંબલ, ગોવિંદભાઇ પ્રજાપતિ, નારણભાઈ ઘાડીયા, વલ્લભભાઈ વાછાણી, હસમુખભાઇ ઉભડિયા, ઇદ્રવિજયસિંહ જાડેજા, માધવજીભાઇ રબારા વિગેરેનું એક પ્રતિનિધિ મંડળને સાથે રાખી મોરબી – માળીયા (મી) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આ કોલેજના જૂના ઐતિહાસિક મકાનની જાળવણી અને મરામત કરવા મુખ્યમંત્રીશ્રીની પ્રત્યક્ષ મુલાકાત લઈ વિગતે રજૂઆત કરી હતી. ખુદ મુખ્યમંત્રીએ પણ મોરબીની આ એલ.ઈ. કોલેજનો જે તે વખતનો દબદબો ગૌરવભેર યાદ કરી આ બાબતે ઘટતું કરવા હૈયાધારણા આપી હતી.





