(અહેવાલ: જયેશ બોખાણી)
જુનાગઢ: રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે. ત્યારે રાત્રિ કર્ફ્યુ અને મિની લોકડાઉન જેવા આકરા નિર્ણયના કારણે સામાન્ય માણસના ધંધાઓ પર માઠી અસર પડી છે. અને ટકનું લાવી વ્યાપાર કરતા ધંધાર્થીઓના ધંધામાં પણ નુકશાન થય રહ્યું છે. સામે કોરોના સંક્રમણ તો અટકી રહ્યું છે પરંતુ વ્યાપાર કરતા વેપારીઓના ઘરના સભ્યો કોરોનાની ઝપેટમાં આવે તો સારવાર માટેનો ખર્ચ પણ આવી પરિસ્થિતિમાં ક્યાંથી કાઢવોએ પણ મોટી ગરીબ વેપારી માટે સમસ્યા સર્જાઇ છે. ત્યારે જુનાગઢના એક યુવાને પોતાનો ધંધો શરૂ કરવા માટે શહેરના ડીવાએસપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજાને રજૂઆત માટે ગયો હતો.
યુવાને પોતાની વ્યથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને સંભળાવતા કહ્યું હતું કે, મારી કોલ્ડ્રિન્કસની દુકાન છે પરંતુ હાલ લોકડાઉન જેવા નિર્ણયના કારણે દુકાન બંધ છે. આપને વિનંતિ કરવા આવ્યો છું કે, આપ એ વિસ્તારના પીઆઇને કહીને મારી દુકાન 2-4 કલાક ખુલી રાખવાની મંજુરી આપો કારણ કે, મારા પિતાની તબિયત ખરાબ હોવાથી તેઓ હાલ રાજકોટ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે. અને દવાના ખર્ચ માટે આ દુકાન સિવાય બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી. અને પોતાની પિતાની હોસ્પીટલ ફાઇલ બતાવી હતી.
આ વાત સાંભળી ખાખીની અંદરનો માણસ યુવાનની વ્યથા સમજી શક્યો હતો. પરંતુ પોતાની ફરજ બહાર જઈને દુકાન ખોલવાની મંજૂરી કંઈ રીતે આપી શકે ! કારણ કે જુનાગઢમાં જાહેરનામું અમલમાં હોવાથી એકને મંજુરી આપે તો અન્ય સાથે અન્યાય થાય એવા વિચાર સાથે અન્ય કોઈ વચ્ચેનો રસ્તો કાઢીએ, જેનાથી નિયમનું પાલન પણ થાય અને તમારૂં પણ કામ પણ થઈ જાય…
વાત સાંભળી યુવાન પણ આશ્ચર્યમાં હતો કે સાહેબ વચ્ચેનો રસ્તો શું કાઢશે..!
ત્યારે ડીવાએસપી પ્રદિપસિંહ જાડેજાએ યુવાનના પિતાની ફાઈલ જોતા પૂછ્યું ” દવાઓ લેવા માટે કેટલી રકમની જરૂર છે..!!
યુવાનને પિતાની સારવાર માટે જેટલી રકમની જરૂર હતી એ રકમ કહીં, એટલે ડીવાએસપી પ્રદિપસિંહ જાડેજાએ પોતાના ખિસ્સામાં પાકીટ કાઢીને દવા માટે જરૂરી રકમ કાઢી યુવકના હાથમાં આપી દીધી.
યુવાન રકમ સ્વીકારવામાં સંકોચમાં હતો. પરંતુ પોતાની પરિસ્થિતિ અને બિમાર પિતાની હાલતે તેને વિચારમાં મુકી રહી હતી.
સ્થિતિ સમજી તરત પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું ‘લઇ લે ભાઈ, અત્યારે તારે જરૂર છે. મને સરકાર ઘણો પગાર આપે છે. છતાં તને શરમ આવતી હોય તો તારી પાસે જ્યારે વધુ રકમ ભેગી થાય તે દિવસે પાછા આપી જજે.’ યુવાને એક પરોપકારી પોલીસ અધિકારીના વિશાળ હૈયામાંથી વહેતી માનવતા જોઈ યુવાન રકમ લઈ જતો રહ્યો.
આમ જોકે, મોટાભાગે આપણને ખાખી પહેરનારના કડક વલણ જોયા મળતા હોય છે. પરંતુ ખાખીની અંદર પણ એક માણસ છે. એ વાત જુનાગઢ શહેરમાં જોવા મળી છે. ત્યારે રાજકોટના વતની અને જુનાગઢ શહેરમાં છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ડીવાએસપી તરીકે ફરજ બજાવતાં પ્રદિપસિંહ જાડેજાની સુઝબુઝને લોકો સલામ કરી રહ્યા છે.





