(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા તાલુકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચારે તરફ કોરોનાના કેસો આવ્યાની ચર્ચાઓથી ખળભળાટ મચી ગયો છે. કોરોનાના કેસોને કારણે ભય છે. આવી ગંભીર પરિસ્થિતિમાં ટંકારામાં તથા ટંકારા તાલુકામાં અનેક દર્દીઓના મૃત્યુ થયાની ચર્ચાઓ ચાલે છે. ટંકારામાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં સામાન્ય રીતે એક માસમાં થતા મૃત્યુ કરતા પણ વધુ મૃત્યુ થયેલ છે.
ટંકારા તાલુકાના 50 ગામોમાં કોરોનાની સારવાર માટે સુવિધા નથી. એક પણ કોવીડ કેર સેન્ટર નથી. તેમજ ઓક્સિજનના બાટલાઓની સુવિધા નથી. ટંકારા તાલુકા મથક હોવા છતાં કોવિડ કેર સેન્ટર શરૂ થયેલ નથી. સારવાર માટે મોરબી અથવા રાજકોટ ખસેડવા પડે છે. પરંતુ મોરબી તેમજ રાજકોટમાં દર્દીઓને સારવાર આપવા હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા જગ્યા નથી.
ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ, ઓરપેટ સંકુલ, સરકારી આઇ ટી. આઇ.ખાતે વિશાળ જગ્યા તથા રૂમો છે. ટંકારા તાલુકામાં કોરોનાનું સંક્રમણ ભારે વધેલ છે. ટંકારા તાલુકાની સરકારી તથા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય છે. લેબોરેટરીમાં રિપોર્ટ માટે તો મેડિકલ સ્ટોર્સમાં દવાઓ લેવા માટે પણ કતાર છે. રાજ્ય સરકારે ટંકારા તાલુકાના કોરોનાના દર્દીઓને વિના મુલ્યે સારવાર મળી રહે તે માટે 100 બેડની સુવિધા સાથે કોવીડ કેર સેન્ટર શરૂ કરે તેવી ટંકારા તાલુકાના લોકોની માંગણી છે. આ કોવીડ સેન્ટરમાં ડોકટરોની તથા ઓક્સીજનની પૂરતી સુવિધા કરવામાં આવે તેવી માંગ છે. ટંકારા તાલુકાના આગેવાનો, સામાજિક સંસ્થાઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય તાત્કાલિક કોવિડ સેન્ટર શરૂ થઈ શકે તે માટે યોગ્ય કરે તેવી લોકોની માંગણી છે.