ખાખરેચીમા હાઈસ્કૂલ અને તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો સંયુક્ત પ્રવેશોત્સવ યોજાયો..
માળીયા : માળિયાના ખાખરેચી ગામે સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ખાખરેચીની કન્યા પ્રા. શાળા, કુમાર પ્રા.શાળા, મિશ્ર પ્રા. શાળા તેમજ સાર્વજનિક હાઈસ્કૂલનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને અધિકારીશ્રીઓ તેમજ પધારેલા મહાનુભાવોનું ઢોલના તાલ સાથે બાળાઓએ કુમ કુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટીકા અને ધો. 1 ના મળીને કુલ 93 બાળકોને દાતાઓના સહકારથી પેન, પેન્સિલની કીટ તેમજ ડોમ્સ કલર કિટ ઇનામ આપીને તેમજ સાર્વજનિક હાઈસ્કુલના ધોરણ 9 અને ધોરણ 11 ના કુલ મળીને 135 બાળકોને પાઠ્ય પુસ્તક સેટ મહાનુભાવોના હસ્તે આપીને પ્રવેશ અપાયો હતો. તેમજ મિશ્ર શાળાની બાળાઓ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાની આગવી અને અનોખી શૈલીમા વક્તવ્ય રજુ કર્યા હતાં.




આ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના વરદ હસ્તે ધો.3 થી 12 માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર તેમજ CET અને NMMSની પરીક્ષામાં ઉતીર્ણ થનાર અને વર્ષ દરમ્યાન 100% હાજરી તેમજ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી શૌક્ષણિક કિટ અને પેડ જેવા ઇનામ આપીને બિરાદાવ્યા હતા..
આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નથુભાઈ કડીવાર સાહેબ, કાર્યક્રમના મુખ્ય અધિકારી તરીકે માળીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી અજયભાઇ ગરિયા સાહેબ, માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ડૉ. શર્મિલાબેન હુંબલ, ખાખરેચી જીલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારજીયા, ખાખરેચી ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી વનિતાબેન દિનેશભાઇ પારજીયા, પ્રાથમિક શિક્ષક સંઘ માળીયાના પ્રમુખ શ્રી દિનેશભાઇ હુંબલ, સરવડ ક્લસ્ટરના સી. આર. સી. મહેશભાઈ ચૌહાણ તેમજ સામાજિક અગ્રણી વિકાસભાઈ થડોદા , ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ અને SMCના સભ્યો, ગ્રામજનોએ હાજરી આપીને પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું..
આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી નથુભાઈ કડીવાર સાહેબે તમામ પ્રાથમિક શાળાઓમાં અને હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં થયેલ નામાંકન બદલ તમામ ગ્રામજનોને અને તમામ શાળા પરિવારને બિરાદાવ્યા હતા. તેમજ ઉપસ્થિત ગ્રામજનોને બાળકોના ઘડતર માટે શિક્ષણના મહત્વ વિશેની વાત અને વિદ્યાર્થીના મળતા લાભો અંગે વાલીને જાગૃત થવા જણાવ્યું હતું. તેમજ પ્રવેશ પામેલ તમામ બાળકોને સારુ શિક્ષણ મેળવીને ઉચ્ચ કારકિર્દી થકી ગામનુ ગૌરવ વધારવાનાં શુભાશિષ પાઠવ્યા હતા..આ કાર્યક્રમ અંતર્ગત શાળાના મેદાનમાં સરગવા અને જામફળના છોડનું મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.
અંતે હાઈસ્કૂલના આચાર્યશ્રી મેહુલભાઇ ભોરણિયાએ હાજર સૌને પરિવારની સુરક્ષા અને સલામતી હેતુ ટ્રાફિકના નિયમોના પાલન અંગેના શપથ લેવડાવ્યા હતા. છેલ્લે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો, અધિકારીશ્રીઓનો અને આર્થિક સહયોગ આપનાર દાતાઓનો અને ગ્રામજનોનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.





