જોડીયામાં ૪૦૦૦ ચો.મી. જમીન પર થશે નવા બસસ્ટેશનનું નિર્માણ
જામનગર જિલ્લાના નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જોડિયા તાલુકાના નાગરિકોની દીર્ઘકાલિન માંગણીને હકારાત્મક વાચા આપી નવા બસ સ્ટેશન માટે ૪૦૦૦ ચો.મી. જમીન ફાળવાઈ છે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. નવા બસ સ્ટેશનના નિર્માણથી જોડિયા ઉપરાંત આસપાસના વિસ્તારના નાગરિકોની પરિવહનની સુવિધામાં વધારો થશે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રીએ આ નિર્ણય બદલ જામનગર-જોડિયાના નાગરિકો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્ણયને આવકાર્યો છે.
ગુજરાત સરકારે જામનગરના જોડિયા તાલુકાના નાગરિકોની દીર્ઘકાલિન માંગણીને હકારાત્મક વાચા આપતો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગામની વધતી જતી વસ્તી અને શહેર સાથેનાં જોડાણને ધ્યાનમાં રાખીને બસ સ્ટેન્ડની જરૂરિયાત વધુ તીવ્ર બની હતી. જોડિયા ગામનાં નાગરિકોએ નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. કૃષિ મંત્રીએ જોડિયા ગામનાં લોકોની માંગણીને સત્વરે ધ્યાને લઇ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી બસ સ્ટેન્ડ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા આગળ વધારી હતી. આ રજૂઆતને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવા બસ સ્ટેશન માટેના પ્રસ્તાવને તાત્કાલિક મંજૂરી આપીને જોડિયા ગામના લોકોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જોડિયા તાલુકામાં બસ સ્ટેશન માટે જમીન ફાળવણી કરી દેવામાં આવી છે. આશરે ૪૦૦૦ ચો.મી. જમીન પર નવા બસ સ્ટેશનનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં જ શરુ થશે.
આ નિર્ણય અંગે પ્રતિભાવ આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે, સામાન્ય જનતાની સુવિધાઓ અને જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર હરહંમેશથી પ્રયત્નશીલ છે. જોડિયામાં નવા બસ સ્ટેશનની જરૂરિયાત ઘણા સમયથી અનુભવાતી હતી, જેની રજૂઆત કરતા ખુબ જ ટૂંકાગાળામાં રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આ સક્રિયતા બદલ કૃષિ મંત્રીએ જામનગર અને જોડિયાના નાગરિકો વતી મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને છેવાડાના ગામો સુધી ઉત્તમ પરિવહન સેવાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની નેમ છે. જામનગરના જોડિયા તાલુકાના આર્થિક અને સામાજિક વિકાસ માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા લેવાયેલો આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ પૂરવાર થશે. જોડીયામાં નવા બસ સ્ટેશનના નિર્માણથી જોડિયા ઉપરાંત આસપાસના વિસ્તારના નાગરિકોની પરિવહનની સુવિધામાં વધારો થશે.





