હળવદમાં બાઈકની ચાવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવક પર છરી વડે હુમલો કર્યો
મોરબી: હળવદ ભવાનીનગરઢોરે રેલ્વે ફાટક પાસે રહેલ ભુદેવ પાનની દુકાને ફોન કરી બોલાવી આગાઉ બાઈકની ચાવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવક ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રામજીભાઇ જીલાભાઈ અજાણી (ઉ.વ.૨૭) રહે.ભવાનીનગર ઢોરે હળવદ વાળાએ હકાભાઈ હીરાભાઈ સુરેલા રહે. મહાદેવના મંદિર સામે પંચમુખી ઢોરે હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૯-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ અરશામા આરોપીએ ફરીયાદી સાથે અગાઉ ફરીયાદીના મિત્ર દશરથભાઇના મોટરસાયકલની ચાવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી રાત્રે ફરીયાદીને હળવદ ભવાનીનગરઢોરે રેલ્વે ફાટક પાસે રહેલ ભુદેવપાનની દુકાને ફોન કરી બોલાવી પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ઉંડો છરીનો સરકો ફરીયાદીને મારી પેટમાં આંતરડાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે રામજીભાઇ એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૬ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





