હળવદ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ)માં જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવા હળવદના સામાજિક કાર્યકર અને જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેએ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે.
લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, હળવદમાં 70 ગામડાઓ અને હળવદ શહેરી વિસ્તારના નાગરિકોને વિશેષ સારવાર મળી રહે તે માટે હળવદ શહેરમાં સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) કાર્યરત છે. આ હોસ્પિટલ માં 5 M.B.B.S ડોકટર્સ અને અન્ય વિઝીટિંગ ડોકટર્સ સેવાઓ આપી રહ્યા છે. ત્યારે આ હોસ્પિટલમાં વિવિધ રોગો માટે જરૂરી દવાઓ હાજર સ્ટોકમાં ન હોવાથી દર્દીઓ ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ખર્ચીને સારવાર કરાવવા ની ફરજ પડે છે.
ત્યારે આ અંગે હળવદના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવેએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ ને સત્વરે હળવદ ની સરકારી હોસ્પિટલને જરૂરી દવાઓનો જથ્થો ફાળવવા રજુઆત કરી છે. ત્યારે આ અંગે જાણવા મળ્યા મુજબ દર વર્ષના માર્ચ મહિનામાં હોસ્પિટલના મેડિકલ ઓફિસરે ગાંધીનગર સબંધિત કચેરીએ જરૂરી દવાઓનું લિસ્ટ મોકલવાનું હોઈ છે. જે અત્રેની હોસ્પિટલથી સમયસર મોકલી દેવામાં આવ્યું હોવા છતાં અત્યાર સુધી જરૂરી દવાઓનો જથ્થો મળ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ અંગે ગામના સામાજિક કાર્યકરે કરેલ રજુઆતથી પ્રજાને સ્પર્શતા આ પ્રશ્નનું સત્વરે નિરાકરણ કરવામાં આવે તેવી હળવદના દર્દીઓ અને નાગરિકોની લાગણી તથા માંગણી છે.