સ્કુલ બેગો પાછળ લાગતી સ્કૂલની જાહેરાતનો ખર્ચ વાલીઓ શા માટે ભોગવે ? : પરેશ પારીઆ
શાળાઓએ પોતાની જાહેરાત કરવી જ હોય તો બાળકોને સ્કુલ બેગ ફ્રી માં વિતરણ કેમ નથી કરતા ?
૨૦૦ થી લઈને ૨૫૦ માં મળતી સ્કુલ બેગ ૫૦૦ થી ૭૦૦ રૂપિયા માં માનીતા સ્ટોલમાં વેચાઈ રહી છે અધિકારીઓ અને વાલીઓ સાથે તંત્ર પણ ગુલામ બની ગયું છે.

છેલ્લા બે વર્ષના કોરોના કાળ બાદ ફરી પાછી શાળાઓ રેગ્યુલર શરૂ થતાં વાલીઓ માટે મોંઘવારીનો વધુ એક માર શરૂ થઈ ચૂક્યો છે કારણ કે ૨૦થી લઈને ૩૫ ટકા સુધી નોટબુક, સ્કૂલ ડ્રેસ, શુઝ, સ્કૂલબેગ સહિતના શૈક્ષણિક સાધનોના ભાવ વધી ગયા છે તેમાં પણ સ્કૂલો દ્વારા ફરજિયાત પોતાના માનીતા જ સ્ટોરમાંથી લેવા માટે વાલીઓને દબાણ કરી ફરજિયાત શબ્દ સાથે પોતાની પણ તેમાં ટકાવારી રાખી અને વાલીઓને બધી બાજુથી લૂંટી રહ્યા છે સરકાર આમ જોઈએ તો નીત-નવા કાયદાઓ કાઢવાની વાતો કરે છે પરંતુ અમલીકરણ નામે કહેવા પૂરતો જ હોય છે. કોરોના કાળ બાદ મધ્યમ વર્ગના પરિવારની આવકમાં ઘટાડો થયો છે જ્યારે મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે એક સામાન્ય પરિવાર દ્વારા પોતાના બાળકોને ભણાવવા પણ બહુ મુશ્કેલ બની ગયા છે ત્યારે પ્રાઇવેટ શાળાઓ પોતાના નિયમ મુજબ ફરજિયાત પણ કરાવી વાલીઓને લૂંટી રહ્યા છે.
ચાલો સમજીએ કે વાલીઓ પોતાના બાળક ના ભવિષ્યની ચિંતા કરી શાળાઓ એડમિશન નહીં આપે કે તેના બાળક સાથે અણગમો રાખશે તેના ડરથી તેઓ કંઈ બોલી રહ્યા નથી પરંતુ સરકારના શિક્ષણ વિભાગ ની આંખો અને કાનો ને શું થઈ ગયું છે કે તેઓ જાહેરમાં બનતી આવી ઘટનાઓને રોકી નથી શકતા કે શિક્ષણ વિભાગ પણ ભ્રષ્ટાચારથી બાકાત નથી.
પ્રાઇવેટ સ્કૂલો માટે માનીતા સ્થળે થી પુસ્તકો તેમજ કપડાઓ જેવી વસ્તુઓ ફરજિયાત ત્યાંથી લેવાનું રાખી પોતાનો હિસ્સો પણ ત્યાં નક્કી કરી રાખે છે અંદાજીત એક બાળકનો સ્કુલ ડ્રેસ, પુસ્તકો, બુટ-મોજા વગેરે નો ખર્ચ ૫૦૦૦ થી ૬૦૦૦ થતો હોય છે જેમાં સ્કૂલનો પોતાનો એક હિસ્સો પણ નક્કી કરતો હોય છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો ની પાછળ કોઈ ને કોઈ રાજકીય નેતાઓના હાથો હોવા થી સરકારના નીતિ નિયમોની બીક જરાય નથી રહી. દરેક સ્કૂલ માં એક વાલી મંડળ હોવું જોઈએ જેની મોટા ભાગના વાલીઓ ને જાણ પણ નથી. હવે વાલીઓ એ જાગવું પડશે ખાનગી શાળાને લગતા નીતિનિયમો જિલ્લા શિક્ષણ અધિકારીઓએ પાસે માંગવા પડશે નહિતર બાળકોને શિક્ષણ સાથે ગુલામી પણ મળશે.