કચ્છ: રાપરમાં બે વર્ષ અગાઉ દેના બેંક ચોકમાં રાજપૂત કરણી સેના અને રાપર તાલુકા રાજપૂત સમાજ દ્વારા આયોજીત જાહેરસભામાં દલિત સમાજમાં ભય ઉભો થાય તેવું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતે ભડકાઉ ભાષણ કર્યું હોવાની રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે પોલીસે પોલીસે અમદાવાદથી રાજ શેખાવતની ધરપકડ કરી જેલ હવાલે કરાયેલ છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર જાહેરસભામાં રાજેન્દ્રસિંહ શેખાવતે રાપરના ગેડી ગામમાં અનુસૂચિત જાતિ મંડળીને ફાળવાયેલી જમીન અંગે ચાલતા વિવાદ સંબંધે દલિત સમાજમાં ભય ફેલાઇ તેવું ઉશ્કેરીજનક પ્રવચન કર્યું હતું. તથા બે કોમ વચ્ચે શાંતિનો ભંગ થાય અને અનુસૂચિત સમુદાયિક ખેતમંડળીના સદસ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી એટ્રોસીટીના કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાની રાપર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામએ આરોપીને પકડવા સારૂ જરૂરી સુચના આપેલ હતી. જે અનુસંધાને કે.જી.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ દ્વારા રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર તથા પોલીસ સ્ટાફ સાથે આરોપીને પકડવા સારૂ અમદાવાદ ખાતે એક ટીમ રવાના કરેલ હતી. અને અમદાવાદ નવા નરોડા વિસ્તારમાં આવેલ શેખાવત પેલેસ નામની હોટલમાંથી રાજસિંહ ઉર્ફે રાજેન્દ્રસિંહ શ્રવણસિંહ શેખાવતની ધરપકડ કરી છે. આરોપીને ઉપરોકત ગુનામાં અટક કરી અધિક સેસન્સ અને એટ્રોસીટી કોર્ટમાં રજુ કરતા કોર્ટે મજકુર આરોપીનું ગળપાદર જેલ હવાલે કરાયેલ છે.