Tuesday, May 6, 2025

મોરબીમાં સૌ પ્રથમવાર સવા લાખ શિવલિંગ બનાવી સોમવારે કરાશે પૂજા

Advertisement
Advertisement
Advertisement

જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા અનેરું આયોજન, સમગ્ર વિશ્વમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ભોળીયાનાથને પ્રાર્થના કરાશે, શિવલિંગ બનાવવાના કાર્યમાં લોકોને સ્વંયભુ જોડાવવાનું આહવાન

મોરબી : ધાર્મિક અને શ્રદ્ધાની દ્રષ્ટિએ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે જો સોમવાર આવતો હોય તો તે દિવસને શુભ અને લાભકારી માનવામાં આવે છે. આ દિવસે ભોળીયાનાથની પૂજા અર્ચના કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી માન્યતા છે. ત્યારે આગામી સોમવારે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે. આ સોમવારે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરના સહયોગથી શહેરમાં સો પ્રથમવાર સવા લાખ શિવલિંગ બનાવી સોમવારે પૂજા કરવાનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર વિશ્વમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ભોળીયાનાથને પ્રાર્થના કરાશે.

મોરબીમાં સર્વધર્મ સમભાવ અને દેશહિત માટે સદાય લોક કલ્યાણના કાર્યો કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ન ભૂતો ન ભવિષ્યતીની જેમ પ્રવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલે કે આગામી સોમવારે શિવ ભક્તિનો અનેરો મહિમાગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ)ના સહયોગથી આ સોમવારે શિવ ભક્તિના આહલેક જગાવી ભગવાન ભોળાનાથની પૂજા કરાશે. ખાસ કરીને મોરબી શહેરમાં પ્રથમ વખત સવા લાખ જેટલા શિવલિંગ બનાવીને આ સોમવારે સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર (શંકર આશ્રમ)માં અર્પણ કરીને ભગવાન ભોળાનાથની સવિશેષ પૂજા અર્ચના કરાશે. હાલ માટીમાંથી શિવલિંગ બનાવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અને કોઈપણ લોકો સ્વેચ્છાએ શિવલિંગ બનાવવામાં શ્રમદાન આપવા માંગતા હોય તો તેઓ નીલકંઠ મહાદેવ મંદિરે આવી શકે છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીની ભક્તિ કરવાનો અવસર તેમાંય સોમવારે તો આપણા શાસ્ત્રો મુજબ શિવજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમવારનો સંગમ થતો હોય એવું ભાગ્યે જ બને છે ત્યારે આ વખતે શ્રાવણ માસનો છેલ્લી દિવસ અને સોમવારનો સંગમ થયો હોય શિવજીની આરાધના કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થપાઈ છે. આથી આ સોમવારે ભગવાન શિવજીની પૂજા કરવા માટે સવા લાખ શિવલિંગ બનાવીને પૂજા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે માટીમાંથી શિવલિંગ બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ માટીમાંથી શિવલિંગ બનાવવાના કાર્યમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરો તેમજ મહિલા વિંગના સભ્યો અને નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગુરી ગૌસ્વામી તેમજ અનેક સ્વંય સેવકો જોડાયા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોરોના નામના રાક્ષસનો સમગ્ર વિશ્વ ઉપર પંજો છે.જેના કારણે આર્થિક મંદી, સુખ શાંતિ પણ હણાય ગઈ છે. આમ પણ એવું કહેવાય છે કે ભગવાન ભોળાનાથની સાચા દિલથી પૂજા કરવામાં આવે તો શિવજીની કૃપાથી આપોઆપ ગમે તેવા સંકટમાંથી પણ સાંગોપાંગ નીકળી શકાય છે.ત્યારે હાલમાં કોરોના નામના રાક્ષસને શિવજી હણીને સમગ્ર વિશ્વમાં અગાઉ જેવી જ સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપિત કરે તે માટે તેમને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવશે.આ પવિત્ર કાર્યમાં સમગ્ર મોરબીવાસીઓ જોડાઈ તેવી તેઓએ અપીલ કરી છે.

Related Articles

Total Website visit

1,502,777

TRENDING NOW