મોરબીમાં રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં જન સંપર્ક સભા યોજાઈ, વ્યાજખોરી છોડો નહીં તો મોરબી છોડો; જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની વ્યાજખોરોને ચેતવણી
મોરબી: મોરબી જિલ્લા પોલીસ દ્વારા આજે જન સંપર્ક સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના અનેક નાગરિકો પોતાની સમસ્યા સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોરબી પોલીસ દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકને એક જ સ્થળે ડેસ્ક બનાવી ને તાત્કાલિક ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આ જન સંપર્ક સભામાં અલગ અલગ બેંકો દ્વારા પણ લોન માટેની માહિતી પુરી પાડતા ડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા. આ સભામાં મોરબી જિલ્લાના ત્રણે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રકાશ વરમોરા અને જીતું સોમાણીએ આ સભામાં ઉપસ્થિત રહી વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશને વેગવંતી બનવવા પોલીસનું મોરલ વધાર્યું હતું.
આ સભામાં ઉપસ્થિત રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવાયું હતું કે તમામ લોકો પોલીસ છે અમે યુનિફોર્મ પહેર્યો છે અને તમે નથી પહેર્યો એટલે તમામ લોકોએ સાથે મળી ને કામ કરવાનું છે અને પોલીસના મહાઅભિયાન ને લોકો સુધી પહોંચાડવાનુ છે તેમજ અન્ય લોકો વ્યાજના ચક્રમાં ફસાયા હોય તેમજે પોલીસ સુધી પહોંચવામા મદદ કરે તેવી અપીલ કરવામાં આવી હતી. મોરબી પોલીસ તમારા આંગણે આવી છે ત્યારે લોકો દ્વારા ઉપસ્થિત રહી આ સભામાં જાહેરમાં પોતાની સમસ્યા જણાવી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે અને આવા વ્યાજખોરોથી છૂટકારો મેળવવો અને આવનાર પેઢીના ભવિષ્યને સુધારવાના હેતુથી પોલીસ દ્વારા આ મહાઅભિયાન શરૂ કરવામાં આવેલ છે.
તેમજ કોઈ લગ્ન પ્રસંગ હોય કે અન્ય જાહેર કાર્યક્રમો હોય પોલીસને જાણ કરશો તો ત્યાં પોલીસ મથકનું હેલ્પ ડેસ્ક ઉભું કરવામાં આવશે અને ત્યાં આવીને પોલીસ આપની ફરિયાદ નોંધશે. અને વ્યાજખોરોએ જો કોઈની મિલ્કત પડાવી લીધી હોય અથવા વ્યાજના પૈસાથી બનાવેલ મિલકત ઉપર પર કાર્યવાહી કરીશું તેમજ ઇન્કમ ટેક્સ,ઈ ડી સહિતની એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે અને વ્યાજના લાયસન્સ લઈને તેનો દુરુપયોગ કરતા તત્વોના લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વ્યાજખોરી છોડો નહીં તો મોરબી છોડો નહિતર મોરબી પોલીસ તમને નહિ છોડે’ વધુમાં કહ્યું હતું કે મોરબીના લોકો એ કોઈથી ડરવાની જરૂર નથી અને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સુધી પહોંચે તેમજ મોરબી પોલીસને ફોન દ્વારા સંપર્ક કરીને પણ જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે અને વ્યાજખોરોને ડામવા મોરબી પોલીસ દ્વારા કડકમાં કડક પગલા લેવામાં આવશે તેમજ ફરિયાદીની સુરક્ષાની બાહેધરી પણ આપવામાં આવી હતી.
તેમજ આ જનસંપર્ક સભામાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જણાવ્યું હતું કે વ્યાજખોરો પોલીસથી બીવા જ જોઈએ વધુમાં પોલીસ સારી કામગીરી કરતા હોય તેમાં રાજકીય દખલગીરી ન હોવી જોઈએ તેવું જણાવી ભાજપ કાર્યકરોને અનુરોધ કર્યો હતો. તેમજ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ક્રાઇમ અને વિકાસ એક સાથે જોડાયેલ હોવાનું જણાવી કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી વિકસિત જિલ્લો મોરબી છે ત્યારે અહીં વ્યાજખોરોનું અસ્તિત્વ હોવા સ્વાભાવિક છે ત્યારે પોલીસે ફૂલ જેવા કોમળ રહેવાની સાથે વજ્ર્ જેવું કઠોર બનાવ અનુરોધ કર્યો હતો જયારે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ બેંકોના અધિકારીઓને પોઝિટિવ અભિગમ અપનાવી લોન પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા જણાવી લોકોને નાહકના ધક્કા ખવડાવવા બંધ કરવા જણાવી લોકોને બેંકેબલ સબસીડી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.