મોરબીમાં કેન્સર પીડિતાઓ માટે વાળનું દાન કરતી ત્રણ યુવતીઓ
(અહેવાલ: જયેશ બોખાણી દ્વારા)
મોરબી: વાળ સ્ત્રી અને પુરુષ બંનેને ખૂબ વ્હાલા હોય છે. એમાંય સ્ત્રીઓ તો વાળને તેમની સુંદરતાનો પર્યાય માનતી હોય છે. સ્ત્રીઓ માટે વાળ ઘરેણાં સમાન છે. વાળની સુંદરતાને જાળવી રાખવા માટે દરેક ઉંમરની સ્ત્રીઓ મથામણ કરતી રહેતી હોય છે. વાળ ખરવા લાગે તો પણ યુવતીઓ ચિંતાતુર થઈ જતી હોય છે એવામાં પોતાના બધા જ વાળ કોઈને દાનમાં આપી દેવા માટે કેટલું મજબૂત મનોબળ જોઈએ તે સમજી શકાય એમ છે. ત્યારે મોરબીની ત્રણ યુવતીએ સુંદરતાના ઘરેણાં સમાન વાળ કેન્સરગ્રસ્ત પિડીત માટે દાનમાં આપ્યા છે.
કેન્સરની સારવાર દરમિયાન કીમોથેરપીની આડઅસરને કારણે માથાના વાળ ઉતરી જતાં હોય છે, જે સ્ત્રી માટે ખૂબ દુ:ખદ હોય છે. ત્યારે મોરબીની લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા કેન્સર પિડિત માટે હેર ડોનેટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મોરબીની પાયલબેન પટેલ, પારૂલબેન પટેલ અને કોમલબેન વાઢેર નામની ત્રણ બહેનોએ સુંદરતાના ઘરેણાં સમાન વાળનું દાન કર્યું હતું. મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ નઝરબાગ દ્વારા પ્રથમ હેર ડોનેશન પ્રોજેક્ટમાં જ બહેનોએ પોતાના વાળનું દાન કરતા આ પ્રોજેક્ટને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.