નવી નવી ટેકનોલોજી અપનાવી આપણું રાષ્ટ્ર વિશ્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહ્યું છે : મંત્રી બ્રિજેશ મેરજા
મોરબી સ્થિત સાર્થક વિદ્યાલય ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે અટલ ટીકરીંગ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સ્કિલ ડેવલપ દ્વારા યુવાનોમાં રહેલ અપાર શક્તિઓને બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત દેશના પાંચ રાજયોના ચાલીસ વિદ્યાર્થીઓની સ્પર્ધામાં ગુજરાતનો યુવાન અવ્વલ નંબરે આવેલ હતો જયારે દિલ્હીમાં સમગ્ર દેશની યોજાયેલ સ્કિલ ડેવલપ સ્પર્ધામાં પણ ગુજરાત મોખરે રહેલ છે. નવી નવી ટેકનોલોજી આપનાવી આપણું રાષ્ટ્ર વિશ્વગુરૂ બનવા તરફ આગળ ધપી રહ્યું છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી સશક્તિકણરણની ચિંતા કરી છે. મહિલાઓ સમાજમાં સન્માનભેર જીવી શકે તેમજ સ્વનિર્ભર અને સ્વાવલંબી બને તે માટે સખી મંડળને વ્યવસાય કરવા માટે રાજય સરકાર દ્વારા વગર વ્યાજે લોન આપવામાં આવે છે.

આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કિશોરભાઇ શુકલ, અમરસિંહ રાણા, જયવંતસિંહ, સાગરભાઇ, ભરતભાઇ મહેતા સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.





