Monday, March 9, 2026

મોરબીની ઓળખ ‘જુલતો પુલ’ ફરીથી બનાવવા માંગ ઉઠી, CMને રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ઓળખ ‘જુલતો પુલ’ ફરીથી બનાવવા માંગ ઉઠી, CMને રજૂઆત

મોરબી શહેરની ઐતિહાસિક ઓળખ ગણાતા જુલતા પુલને ફરીથી યોગ્ય અને મજબૂત રીતે બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patel સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિયેશનના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ પત્ર લખી મોરબીના ઐતિહાસિક વારસાની હાલત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી આજે કોર્પોરેશન બન્યું હોવા છતાં શહેર પોતાની ઐતિહાસિક ઓળખ સમાન જૂની ધરોહરો ગુમાવતું જઈ રહ્યું છે. શહેરના નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મોરબીના મહારાજા દ્વારા દાનમાં આપવામાં આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલના બિલ્ડિંગની હાલત પણ ચિંતાજનક બની હોવાનું રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. વધુમાં જણાવાયું છે કે શહેરનું પ્રસિદ્ધ મણીમંદિર હાલમાં બંધ છે, જ્યારે જુલતો પુલ તૂટી ગયેલી સ્થિતિમાં છે. અનેક બગીચાઓ ગાયબ થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા નવી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે, પરંતુ આ ઐતિહાસિક સ્થળો પોતાની મૂળ ઓળખ સાથે ફરી ઉભા થશે કે નહીં તે મોટો પ્રશ્ન બની રહ્યો છે.

તેમજ મોરબીનો ટાઉન હોલ પણ વાપરવા લાયક હાલતમાં નથી. શહેરની ઓળખ સમાન મહેન્દ્ર ડ્રાઇવ રોડની સ્થિતિ પણ ખરાબ બની ગઈ છે. અનેક પુલો પર પીપળા અને વડના ઝાડો ઉગી ગયા હોવા છતાં તેમને દૂર કરવા માટે તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી થતી નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત, આઝાદી પહેલાં મોરબીમાં એરોડ્રામ હતું, પરંતુ આજ સુધી તે અંગે કોઈ સંતોષજનક પ્રગતિ જોવા મળતી નથી. રેલવે સુવિધાઓ પણ અગાઉ કરતાં ઘણી ઘટી ગઈ છે. એક સમય એવો હતો જ્યારે મોરબીમાંથી ઘણી ટ્રેનો ચાલતી હતી, પરંતુ હાલમાં માત્ર અઠવાડિયામાં એક દિવસ જ લાંબા અંતરની ટ્રેન ઉપલબ્ધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મોરબીની એન્જિનિયરિંગ કોલેજના બિલ્ડિંગના રીપેરિંગ તથા નવા કોર્સ શરૂ કરવાની વાતો વર્ષોથી થઈ રહી છે, પરંતુ અમલવારી જોવા મળતી નથી.

રજૂઆતમાં જણાવાયું છે કે એક સમય એવો હતો જ્યારે મોરબી ‘સૌરાષ્ટ્રનું પેરિસ’ તરીકે ઓળખાતું હતું અને સુવિધાઓથી સમૃદ્ધ શહેર ગણાતું હતું. પરંતુ હાલ વિકાસ થવાને બદલે શહેર પાછળ જઈ રહ્યું હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે. અંતમાં માંગ કરવામાં આવી છે કે મોરબીની ઓળખ સમાન જુલતા પુલને ઐતિહાસિકતા જાળવી રાખી નવેસરથી મજબૂત રીતે બનાવવામાં આવે અને શહેરમાં નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય.

Related Articles

Total Website visit

1,595,173

TRENDING NOW