સ્વ.મગનભાઈ કાસુન્દ્રા વિશે
સ્વ.મગનભાઈ આંબાભાઈ કાસુન્દ્રા નો જન્મ તારીખ ૧૯/૦૩/૧૯૪૮ ના રોજ મોરબી જિલ્લાના આમરણ ગામમાં થયો હતો .જ્યાં તેઓએ તેમના જીવનના પાયાના 13 વર્ષ ગાળ્યા હતા. અને તેઓ માત્ર 5 ધોરણ સુધી ભણેલા હતા પણ છતાં પણ તેઓએ રાજકારણમાં પ્રજાના વિશ્વાસને ન્યાય અપાવ્યો હતો. અને તેઓના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસ સાથે સેવાકિય કાર્યો કર્યા હતા. જેથી તેઓના સ્વર્ગવાસ થયા ને 20 વર્ષ બાદ પણ લોકો તેમને યાદ કરી રહ્યા છે.

જીવન સંઘર્ષ ગાથા
સ્વ.મગનભાઈ કાસુન્દ્રા 13 વર્ષ આમરણ રહ્યા પછી આજીવિકા માટે આમરણથી નવસારી ગયા હતા. અને નવસારી ખાતે હિરા ઘસી 2 વર્ષ સુધી મજૂરી કામ કર્યું હતું. પછી પ્રગતિ કરીને તેઓએ પોતાના મિત્ર બચુભાઇ સાથે ભાગીદારીમાં હીરા ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. આમરણ ખાતે તેઓ સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે સેવા આપી હતી. અને હીરા ઉદ્યોગના બિઝનેસ સાથે સાથે તેઓ સંસ્થામાં પણ સક્રિય રહ્યા હતા. બાદમાં રાજકારણ ક્ષેત્રે ઝપલાવી તેઓ પ્રથમ વખત ધ્રોલ-જોડિયા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હોવા છતાં ફક્ત 137 મતે હારનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ તેઓએ હિંમત ન હારી અને પ્રજાની સેવા કરવાનો નેમ લઈ ફરીથી બીજી વખતએ જ સીટ પર ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. બસ પછી પ્રજાના વિશ્વાસની તાકાતથી સતત તેઓ સતત ત્રણ ટર્મ સુધી ધ્રોલ-જોડિયા સીટ પર જીત્યા હતા. પોતાના કાર્યકાળમાં તેઓ ત્રણ વખત મંત્રી રહી ચૂક્યા છે. જેમાં એક વખત કેબિનેટ મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને ગ્રામ ગૃહ અને શહેરી વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે. જે દરમિયાન ધ્રોલ જોડિયા અને મોરબીના અનેક રસ્તાઓનું નિર્માણ કરાવ્યું અને મોરબી જિલ્લાના કોયલી, ગજડી, સહિતના અનેક ગામો સુધી સિંચાઈ યોજના પહોંચાડી હતી ડેમ પણ બાંધ્યા હતા જેનો આજે પણ ખેડૂતોને લાભ મળી રહ્યો છે .

મંત્રી તરીકેનો કાર્યકાળ
ગ્રામ ગૃહ અને શહેરી વિકાસ મંત્રી બન્યાએ કાર્યકાળમાં તેઓએ મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ સમસ્યાઓ જેવી કે રોડ રસ્તા, ગંદકી, અને બિલ્ડીંગના સમારકામ કરાવ્યા હતા જેથી આજે પણ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સ્વ.મગનભાઈ કાસુન્દ્રાની સ્મૃતિમાં સ્મારક બનાવેલ છે.
મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડ નગર) ગામના લોકોએ પણ તેઓના કાર્ય અને સમાજ સેવાને પૂર્ણ સમ્માન આપતા ત્યાં પણ તેઓની પ્રતિમા મુકવામાં આવી છે. આજ રીતે તેઓની કર્મભૂમિ નવસારીમાં પણ મગનભાઈએ ત્યાંના ધારાસભ્ય મંગુભાઇ પટેલ સાથે રહીને નવસારીના લોકો ને મીઠુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. જેથી હાલમાં પણ નવસારીના શાંતાદેવી રોડ પર તેઓની પ્રતિમા મુકવામાં આવી છે જેનું અનાવરણ તે સમય ના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
જ્યારે ત્રીજી વખત ગ્રામ ગૃહ અને શહેરી વિકાસ મંત્રી હતા ત્યારે તેઓનું તા.૩/૧૨/૧૯૯૮ ના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. જેની આજે ૨૫મી પુણ્યતિથિ છે. તેઓના વતન આમરણ અને કર્મભૂમિ નવસારીમાં દર વર્ષે સ્વ.મગનભાઈ કાસુન્દ્રાની સ્મૃતિમાં સમાજ સેવાના કાર્યો કરવામાં આવે છે. અને આજે પણ એમના દ્વારા કરવામાં આવેલ કામો અને સેવાકીય પ્રવૃતિઓને લોકો યાદ કરી રહ્યા છે.
