મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ડેમ અને નર્મદા કેનાલનું પાણી છોડવાની AAP નેતાની માંગ
મોરબી તથા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા મુદ્દે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મચ્છુ–2, ડેમી–2 સહિતના કેટલાક ડેમોમાં પૂરતું પાણી ભરેલું હોવા છતાં શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવ્યું નહોતું. જેના કારણે અનેક ખેડૂતો શિયાળુ પાક લઈ શક્યા નહોતા. વધુમાં મચ્છુ–2 ડેમમાં નર્મદા કેનાલ મારફતે પાણી નાખવામાં આવ્યું હતું અને વરસાદ વગર પાણીનું સ્તર વધતા પાણી દરિયામાં છોડવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ પણ મચ્છુ–2 તથા ડેમી–2 ડેમમાં પાણી ઉપલબ્ધ છે પરંતુ તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પાણી વરાળ બની ઉડી જાય છે અથવા જમીનમાં ઉતરી જાય છે છતાં ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું નથી તે અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત નર્મદા ડેમમાં પણ પાણી હોવા છતાં માળિયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ કેનાલમાંથી ઉનાળુ પાક માટે પાણી છોડવા અંગે હજુ સુધી કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. અધિકારીઓને પૂછતા યોગ્ય જવાબ મળતો નથી તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે.
અંતમાં મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે કે દરિયામાં પાણી વહેવા દેવા કરતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે જેથી ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે, તેમની આવકમાં વધારો થાય અને રાજ્ય તથા દેશને પણ તેનો લાભ મળે.





