પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના જન્મદિવસ નિમિત્તે મોરબીની કોલેજમાં મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરાઇ
મોરબી: મનુષ્ય ગૌરવદિન એટલે પૂ. દાદાજીનાં નામે ઓળખાતા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કે જેઓ”શાસ્ત્રી” તેમ જ “દાદાજી” તરીકે પણ ઓળખાય છે, તેમનો જન્મદિન દર વર્ષે ૧૯મી ઓક્ટોબરના દિવસે મનાવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવાર આ દિવસને મનુષ્ય ગૌરવ દિન તરીકે પણ ઉજવે છે. પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે “માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે”.પાંડુરંગ શાસ્ત્રીજીએ જીવનભર ભગવદ ગીતાનું જ્ઞાન લોકોમાં ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબીની કોલેજોમાં વિદ્યાર્થીઓમાં ભગવત ગીતાનો સંદેશ ફેલાય તેવા ઉદ્દેશથી મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તક્ષશિલા બી.એડ કોલેજ – હળવદ, આર્યતેજ બી.એડ. કોલેજ, નવયુગ બી.એડ. કોલેજ, આઈ એમ કોલેજ, એપેક્સ કોલેજ તદુપરાંત એમ પી પટેલ બી.એડ. કોલેજ, આર. ઓ. પટેલ બીએડ કોલેજ અને પી.જી.પટેલ કોલેજ, મોરબીના સંયુક્ત ઉપક્રમે સનાળા રોડ પર આવેલ પટેલ વાડીમાં અનેક વિદ્યાર્થીઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી નિકેતન આશ્રમ જોધપર (નદી) ના મહંત ભાણદેવજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય ગૌરવ વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ મનુષ્ય કેન્દ્રમાં હોય અને આ મનુષ્ય એકબીજાનું ગૌરવ કેળવે તેવા શિક્ષણની આવશ્યકતા છે. તેઓએ અનેક ઉદાહરણ આપી યુવાનોને પ્રેરણા આપી હતી. અને વિદ્યાર્થીઓને મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ મોરબીની કોલેજોના પ્રોફેસરો આચાર્યો અને સંચાલકોને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગના આયોજક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેરના કો-ઓર્ડીનેટર શિક્ષણ વિદ્યાશાખાના ડીન ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો.નિદત્ત બારોટે જણાવ્યું હતું કે, મોરબીમાં આ કાર્યક્રમના આયોજનનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિનો તેમનામાં નિરૂપણ થાય અને આગામી પેઢીમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો ઉજાગર થાય તેનો હતો.
આ કાર્યક્રમનું સંચાલન તક્ષશિલા કોલેજના અલ્પેશ સીણોજીયાએ કર્યું હતું. આભાર વિધિ રાજેશ ગોસરાએ કરી હતી. કાર્યક્રમમાં મોરબીની જુદી જુદી કોલેજના સંચાલકો બેચરભાઈ પટેલ, બળદેવભાઈ પટેલ, ભવદીપસિંહ જેઠવા, સુમનભાઈ પટેલ, પ્રકાશ ગોરિયા હાજર રહ્યા હતા.





