
છત્તીસગઢના બિલાસપુર મુકામે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું પાંચમું રાષ્ટ્રીય મહા અધિવેશન ધામધૂમપૂર્વક યોજાયું
રાજકોટ : દેશના નક્સલ પ્રભાવિત છત્તીસગઢ રાજ્યનાં બિલાસપુર શહેરમાં “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(રજી.)’ નું પાંચમું રાષ્ટ્રીય અધિવેશન ધામધૂમ પૂર્વક યોજાઈ ગયું જેમાં દેશના ૨૨ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં પત્રકારોએ ઉપસ્થિત રહી સંગઠનની પત્રકાર સુરક્ષા કાનૂન ની લડતને દેશભરમાં સ્થાપિત કરવા માટેનાં મહાઅભિયાનની શરૂઆત કરી હતી.
ગત ૮ ઓગસ્ટના રોજ છત્તીસગઢની ન્યાયધાની એવા બિલાસપુર શહેરમાં દેશના સૌથી વધુ સદસ્યસંખ્યા ધરાવતા તાકાતવર પત્રકાર સંગઠન “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(રજી.) નું પાંચમું રાષ્ટ્રીય અધિવેશન ધામધૂમ પૂર્વક સંપન્ન થયું જેમાં દેશભરમાંથી ઉપસ્થિત પત્રકારોને સંબોધન કરતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયા દ્વારા એલાન કરવામાં આવ્યું કે “પત્રકાર સુરક્ષા કાનૂન” એ પત્રકારોની વાજબી માંગ છે અને તેના માટે લડત આપવા પત્રકારો કટિબદ્ધ છે. કોરોના કાર્ડ માં મોતને ભેટેલા પત્રકારોને શહિદ ગણીને સંમેલનમાં તેમનાં આત્માની શાંતી માટે બે મિનીટનું મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. છેલ્લાં બે વર્ષ દરમિયાન મોત ને ભેટેલ સંગઠ્ઠન નાં પદાધિકારીઓ એવાં સ્વ. યોગેન્દ્રસિંહ ચૌહાણ, સ્વ. ભરતસિંહ ઝાલા, સ્વ. રાજેશ ગુપ્તા, સ્વ. સલીમ બાવાણી સહિતના સ્વર્ગીય પત્રકારોને વિષેશ યાદ કરવામાં આવ્યાં હતાં. સંમેલનમાં દેશભરમાં “પત્રકાર સુરક્ષા કાનૂન” ને લઈને પત્રકારોમાં જાગૃતિ માટે એક મહા અભિયાન ની શરૂઆત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. સંમેલનને છત્તીસગઢના વરિષ્ઠ પત્રકાર અને લેખક એવા શંકર પાંડે એ સંબોધન કરી છત્તીસગઢ વિધાનસભામાં આગળના સત્રમાં જો “પત્રકાર સુરક્ષા કાનૂન”નો ડ્રાફ્ટ પેશ કરવામાં નહીં આવે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ના આ મહાઅધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા છત્તીસગઢ હાઇકોર્ટ બાર એસોસીએશનના અધ્યક્ષ એડવોકેટ કેશવાનીજીએ “પત્રકાર સુરક્ષા કાનૂન” ની માંગને પત્રકારોનો અધિકાર ગણાવી તેના માટે સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવા તમામ સહયોગની ખાતરી આપી હતી.

ABPSS દ્વારા આયોજિત આ સંમેલનને સંસ્થાના વરિષ્ઠ પદાધિકારીઓ રાષ્ટ્રીય મહાસચિવ મહેફૂઝ ખાન(મહારાષ્ટ્ર), રત્નાકર ત્રિપાઠી(ઉત્તર પ્રદેશ), વિદ્યાભૂષણ શ્રીવાસ્તવ(બિહાર), રાકેશપ્રતાપસિંહ પરિહાર(છત્તિસગઢ), છતીસગઢ પ્રદેશ પ્રમુખ ગોવિંદ શર્મા, મનોજસિંહ (બિહાર), વિપિન કુમાર (પશ્ચિમ બંગાળ), દિનેશ સ્વામી (હરિયાણા), શેખ રઈશ (રાજસ્થાન), સર્વેશ તિવારી (ઝારખંડ), અમન ખાન તથા એમ. હનુમંથપા ( કર્ણાટક) ફરીદ કુરેશી (જમ્મુ એન્ડ કાશ્મીર) સહિતના પત્રકાર અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ના આ મહાઅધિવેશનમાં કોરોના કાળ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર પત્રકારોનું “કોરોના વોરિયર” તરીકે સ્મૃતિ ચિહન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
મહા અધિવેશનની સાથે જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેંકડો પત્રકારોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેનું પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ના સંમેલનમાં ગુજરાતથી અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તે તમામનું સ્મૃતિ ચિન્હ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા પત્રકારત્વ ક્ષેત્રમાં અવિસ્મરણીય કામગીરી કરનાર પત્રકાર માટે “લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ” શરૂ કરવામાં આવ્યો છે જે આ વર્ષે છત્તીસગઢના જાણીતા પત્રકાર અને લેખક તેમજ ABPSS ના રાષ્ટ્રીય સંરક્ષક શંકર પાંડેને એનાયત કરવામાં આવ્યો હતો. “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ” છેલ્લા પાંચ વર્ષથી દેશભરમાં પત્રકારોના હિતો માટે લડત આપી રહી છે.

સંગઠનનું આ પાંચમું બે દિવસીય અધિવેશન હતું જેમાં “પત્રકાર સુરક્ષા કાનૂન”ની લડત ને વધુ મજબૂત બનાવવા વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં ગુજરાત ખાતે “અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ”ની રાષ્ટ્રીય કમિટીની બેઠક બેઠક ગાંધીનગર મુકામે યોજાશે જેમાં દેશભરમાં “પત્રકાર સુરક્ષા કાનૂન” ને લઈને મહા અભિયાન માટેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સુરક્ષા સમિતિમાં જોડાવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ જિજ્ઞેશ કાલાવાડિયા દ્વારા જાગૃત પત્રકારોને આહવાન કરવામાં આવ્યું છે જેને લઇને સંગઠન દ્વારા દરેક રાજ્યમાં ટૂંક સમયમાં સદસ્યતા અભિયાન ની શરૂઆત કરવામાં આવશે. મુશ્કેલ પરિસ્થિતિમાં પત્રકારોને ઉપયોગી થઇ શકાય તે હેતુથી દેશના ત્રણ રાજ્યો ગુજરાત,છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં “પત્રકાર કલ્યાણનિધી કોષ”શરૂ કરવાની પણ આ સંમેલનમાં જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાંથી સંમેલનમાં રાષ્ટ્રિય અધ્યક્ષ જીગ્નેશ કાલાવડિયા ઉપરાંત ટ્રેઝરર અજયસિંહ પરમાર, રાષ્ટ્રિય સચિવ શહેનાઝ મલેક સહિતનાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

