દુધાળા પશુઓને આપી વધુ દૂધ આપે એવા ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો.
ભાણવડના ચોખંડા ગામના એક શખ્સને પશુઓને આપવાના થતાં ગેરકાયદે ઈન્જેક્શનના જથ્થા સાથે એસઓજીએ પકડી પાડ્યો છે. તેના કબજામાંથી ખાલી તથા ભરેલી બોટલો કબજે કરવામાં આવી છે. ભાણવડ તાલુકાના ચોખંડા ગામમાં એક શખ્સ દુધાળા પશુઓ વધુ દૂધ આપે તે માટે ઈન્જેક્શન વેચતો હોવાની બાતમી પરથી ગઈકાલે દેવભૂમિ દ્વારકા એસઓજીના સ્ટાફે ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો. ત્યાંથી કરશન નારણભાઈ ગોજીયા નામનો શખ્સ શંકાસ્પદ પ્રવાહીની ખાલી તથા ભરેલી બોટલો સાથે મળી આવ્યો હતો. આ શખ્સ દુધાળા ઢોરને આપવાના ગેરકાયદે ઈન્જેક્શન વેચતો હોવાની આશંકા સેવી એસઓજીએ તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.





