ગાળા ગામ નજીક આવેલ ફેક્ટરીમાથી ATSની ટીમે ડ્રગ્સ બનાવવામાં વપરાતો 1700 કિલો કેમીકલ પાવડર ઝડપી પાડયો
મોરબી: સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થો માટેનો ગેટવે ઓફ ઇન્ડિયા બન્યો છે. પાંચ વર્ષમાં ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. મોરબી સહિત સૌરાષ્ટ્રમાં ડ્રગ્સના આ કાળા કારોબારને ડ્રગ્સ-માફિયાઓ સરકારને પડકાર આપતા હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે છેલ્લા ઘણાં દિવસથી માદક પદાર્થોનો વેપલો ચાલવતા ઈસમો મોરબીથી ઝડપાઇ રહ્યા છે. એટલું ઓછું હોય તેમ તાજેતરમાં ATSએ વડોદરાના મોક્સીની કંપનીમાં દરોડો પાડીને 1125 કરોડનું 225 કિલો MD ડ્રગ્સ પકડ્યું હતું. જેમાં કંપની સંચાલક સહિત 6 આરોપીને 9 દિવસના રિમાન્ડ અપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે આરોપીઓએ મોરબીની સિરામિક રો મટીરીયલની ફેક્ટરીના ગોડાઉનમાં નશાનો વેપલો બનાવ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત ATSની અલગ અલગ ટીમો દ્વારા તા.16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમા આવેલી નેક્ટર કેમ નામની ફેક્ટરીમાંથી 225 કિ.ગ્રા. જેટલો માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતે તપાસ દરમ્યાન એટીએસ દ્વારા આજ દિન સુધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં મહેશ ઉર્ફે મહેશ ધોરાજી વૈષ્ણવ, તેના ભાગીદાર પિયુષભાઇ અશોકભાઇ પટેલ, દિલીપ ઉર્ફે દીપક લાલજીભાઇ વધાસીયા, રાકેશ ઉર્ફે રાકો નરસીભાઇ મકાણી, વિજય ઉર્ફે વીજો ઓધવજી વોયાની ધરપકડ કરી હતી.
જેમાં આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે સીન્થેટીક માદક પદાર્થ બનાવવા માટે મહેશના કહેવાથી દિલીપ વધાસીયાએ પિયુષભાઇ પટેલ તથા મહેશ બંને સંપર્ક મોરબીના ગાળા ગામ નજીક આવેલ સિરામિક રો મટીરીયલની ફેક્ટરીના માણસો સાથે કરાવ્યો હતો. ત્યાર બાદ પિયુષ પટેલ તથા મહેશ ધોરાજીએ મોરબીની વ્રજ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં પેસ્ટીસાઈડ બનાવવાની આડમાં અલ્પાઝોલમ નામનો માદક પદાર્થ બનાવવાનું શરૂ કર્યું હતું. આ માદક પદાર્થ અલ્પાઝોલમ બનાવવા માટેની પ્રક્રિયા કુલ સાત સ્ટેજની હોય છે.
જેમાં પકડાયેલ આરોપીઓએ શરૂઆતના બે સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2-અમિનો–ક્લોરો બેન્ઝોફિનોલ બન્યું હતું, જે મોરબી ફેક્ટરીના ગોડાઉનમાં રાખ્યું હોવાની માહિતી મળી હતી. જે માહિતી આધારે ATSની ટીમે મોરબી ખાતે આવેલી કેમીકલ ફેક્ટરીના ગોડાઉનમાં રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરી ઈન્ટરમિડિયેટ કેમીકલ પાઉડર 2 અમિનો-5 ક્લોરો બેન્ઝોફિનોલનો 1700 કિ.ગ્રા. જથ્થો જેની કિંમત કિં. 34 લાખ થાય છે તે રીકવર કરી સીઝ કરવામાં આવ્યું હતું. જે સીઝ કરેલા કેમીકલનું FSL દ્વારા તપાસ કરાવવામાં આવશે.
મોરબીના ગાળા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં ATSની ટીમ ત્રાટકી હતી. આ ફેક્ટરી કેનાલના કાંઠે આવેલ છે તો ગામથી પણ દુર આવેલ છે આસપાસમાં અવાવરું જગ્યા હોવાથી કેમિકલ ફેકટરીના નામે ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની શંકા ના જાય તેથી આવી જગ્યા પસંદ કરવામાં આવી હોવાની સુત્રોના હવાલેથી માહિતી મળી હતી તો આ ફેકટરીમાં સિરામિક રો મટીરીયલનું કામ ચાલુ છે તો આરોપી દિલીપે આ ફેક્ટરીમાં કેમિકલ ફેક્ટરી શરુ કરવા માટે જરૂરી કાગળો કર્યા હોવાની માહિતી મળી હતી.