ક્રિમિનલને ‘પાસા’ હેઠળ જેલમાં પૂરવાને બદલે કચ્છની પોલીસ તેની સેવા કરતી હતી !
પોલીસ પૈસાની લાલચમાં પોતાની ફરજ વિરુદ્ધનું કામ કરતાં અચકાતી નથી. ફરિયાદી ગમે તેટલો સાચો હોય તોપણ તેની ફરિયાદ નોંધવામાં આવતી નથી. આરોપી આર્થિક રીતે સક્ષમ હોય તો પોલીસ તેની સેવા કરવામાં પાછી પાની કરતી નથી !
7-7 વાર પોલીસ સ્ટેશનના ધક્કા અને ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં કચ્છ પોલીસ ઇલેક્ટ્રોથર્મના માલિકને છાવરતી હતી આખરે સુપ્રિમકોર્ટે આદેશ કર્યો ત્યારે CID ક્રાઈમે ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલશ ભંડારી/ અનુરાગ ભંડારી અને SP જી. વી. બારોટ/ SP ભાવના પટેલ/ DySP વી. જે. ગઢવી/ DySP ડી. એસ. વાઘેલા/ DySP આર. ડી. દેસાઈ/ PSI એન કે ચૌહાણ સહિત 19 સામે સીઆઈડી ક્રાઈમે FIR નોંધી છે. ફરિયાદીને FIR નોંધાવવા છેક સુપ્રિમકોર્ટ સુધી જવું પડે તે શરમજનક બાબત છે.
ફરિયાદી પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણી છે. પરમાનંદ 2011માં ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં નોકરી લાગ્યા હતાં પરંતુ પછી તેમણે રાજીનામું આપ્યું હતું. પરંતુ કંપનીએ તેમને નોકરીમાંથી મુક્ત કર્યા નહોતા. આરોપી શૈલેષ ભંડારીનો આશય એ હતો કે પરમાનંદને કંપનીના ડાયરેક્ટર બનાવી તેના નામે 100 કરોડની લોન લઈ, તેની હત્યા કરવાનો હતો, જેથી લોન ભરવાની ન રહે ! પરમાનંદને કાવતરાની ગંધ આવી જતા તે તૈયાર થયેલ નહીં. તેથી 1 ડિસેમ્બર 2015ના રોજ શૈલેષ ભંડારીની કંપનીના સીક્યુરિટી ગાર્ડે આદિપુર રીયાયન્સ પેટ્રોલ પંપ પાસેથી પરમાનંદનું અપહરણ કરેલ. અને તેમને કંપનીના બંગલા, ઓફિસ અને ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા હતાં. તેમને માર પણ મારવામાં આવ્યો હતો. આરોપી શૈલેષ ભંડારીએ કોરા કાગળોમાં સહીઓ કરાવી બળજબરીથી મિલકત લખાવી છે. 3 ડમ્પર/ 45 લાખ બેન્કમાંથી અને 10 લાખ રોકડા પડાવી લીધેલ હતા. આ બાબતે પરમાનંદ ફરિયાદ કરવા આદીપુર પોલીસ સ્ટેશને ગયા હતા. PSI ચૌહાણે મારી ફરિયાદ નોંધી ન હતી. પરમાનંદ તથા તેમના પત્નીને હેરાન કરવા કંપનીના માણસ હિતેન્દ્રને ઉભો કરી પરમાનંદે કંપનીના હિસાબમાં ગોટાળો કર્યો છે તેવી ખોટી ફરિયાદ પરમાનંદ સામે કરી ! પરમાનંદ હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે પરમાનંદની FIR નોંધવા આદેશ કર્યો. તેમ છતાં પોલીસે પરમાનંદની FIR નોંધી નહીં. 18 માર્ચ 2016ના રોજ PSI ચૌહાણે પરમાનંદના ઘરે જઈને તેમના પત્નીને પિસ્તોલ દેખાડી એમ. કેસના ક્લોઝર રિપોર્ટમાં સહી કરવા ધમકી આપી હતી. જેથી ક્લોઝર રિપોર્ટમાં મારી પત્નીએ સહી કરી આપી હતી. ચૌહાણના પુત્રને કંપનીએ નોકરી રાખી દીધો હતો. ટૂંકમાં PSI/DySP/SP બધાંએ શૈલેષ ભંડારીની તરફેણ કરી હતી. સુપ્રિમકોર્ટે 3 ફેબ્રુઆરી 2024ના આદેશ કરતા CID ક્રાઈમે પરમાનંદની FIR નોંધી હતી. ઘટના 2015ની ફરિયાદ 2024માં ! શું હાઈકોર્ટના આદેશને ભાજીમૂળો સમજનારા પોલીસ અધિકારીઓ પાંજરે પૂરાશે?
શૈલેષ ભંડારીનો ઈતિહાસ કાળો છે. તેણે પોતાના સગા ભાઈની ખોટી સહીઓ કરી આશ્રમ રોડની ઈન્ડિયન ઓવરસીસ બેન્કમાંથી 200 કરોડ રૂપિયાની લોન મેળવી હતી, તે અંગે 2021માં તેમની સામે FIR નોંધાઈ હતી. GSTએ તેની કંપનીમાં દરોડો પાડ્યો ત્યારે 33 લાખની કિંમતનો દારૂ પકડાયો હતો ! શરમજનક બાબત એ છે કે આવ ક્રિમિનલને ‘પાસા’ હેઠળ જેલમાં પૂરવાને બદલે કચ્છની પોલીસ તેની સેવા કરતી હતી !rs





