રાજકોટ: રક્તદાન મહાદાન સૂત્રને કોડીનારના બે યુવાનોએ સાર્થક કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. રાજકોટમાં થેલેસેમિક બાળકોને બ્લડની જરૂર હોવાની સોશ્યલ મિડિયા દ્રારા જાણ થતાં જ કોડીનારના સીંઘરાજ અને કડોદરા ગામે રહેતા વિનોદભાઇ જાદવ અને જીગરભાઈ વાળાએ કોડીનારથી 235 કિલોમીટર સુધી બાઇક લઈને 5 કલાકમાં રાજકોટ પહોંચી બાળકોને રક્તદાન કર્યું હતું.
ત્યારે રક્તદાન કરનાર વિનોદભાઈ જાદવે જણાવ્યું હતું કે, સોશ્યલ મિડિયા પર થેલેસેમિયા બાળકોને ઇમરજન્સીમાં બ્લડની જરૂર હોય તેવો મેસેજ અમને મળ્યો હતો. જેથી તેમનો જીવ બચી જાવ એવો નિર્ણય કરી અમે રાજકોટ બ્લડ આપવા માટે આવ્યા હતા. અને હું પહેલીવાર રક્તદાન કરી રહ્યો છું, અને હવેથી નિયમિત રક્તદાન કરીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિનોદભાઈ ખેતીકામ કરે છે. જ્યારે જીગરભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ રસ ધરાવે છે. જેથી રાજકોટના બડાબજરંગ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે O પોઝીટીવ અને B પોઝિટીવ બ્લડ નહીં મળતાં સોશ્યલ મિડિયા મારફતે અપિલ કરવામાં આવી હતી. જેથી બન્ને યુવાનોએ કોડીનારથી બાઇક પર 235 કિલોમીટરનું અંતર ખેડીને રાજકોટ પહોંચી રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.





