મોરબી : મહુવા તાલુકાના તલગાજરડા ખાતે દર વર્ષે મોરારીબાપુના હસ્તે આપવામાં આવતા ચિત્રકૂટ એવોર્ડ માટે દરેક જિલ્લામાંથી એક શિક્ષક એમ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે જેમાં વર્ષ 2020/2021 માટે મોરબી તાલુકાના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. વિજયભાઈએ બાળકોના વિકાસ માટે અત્યાર સુધીમાં 800 જેટલી વિવિધતા સભર પ્રવૃત્તિઓ કરાવી છે. તેઓએ શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ એટલું મહત્વનું કામ કર્યું છે. વિવિધતા સભર પ્રવૃત્તિઓ, રાજયકક્ષાએ ઈનોવેશનો કરવા, સંશોધન કરવા, શિક્ષણને લગતા લેખો પ્રકાશિત કરવા, નેશનલ કક્ષા સુધી જવું જેવી અનેક વિવિધતાસભર પ્રવૃત્તિઓ કરાવી છે જેના કારણે વિજયભાઈની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
વર્ષે 2021/22 માટે હળવદ તાલુકાની માનસર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિમલ પટેલની પસંદગી કરવામાં આવી છે. વિમલભાઈ પણ એવા પ્રવૃતિશીલ શિક્ષક છે કે જેમણે પણ બાળકોના વિકાસમાં નાવીન્યપૂર્ણ પ્રયોગ કરેલ છે. વિવિધ સાધનોનું નિર્માણ કરવું, ઈનોવેશન કરવા, બાળફિલ્મનું નિર્માણ કરવું, સતત બાળકો માટે નવીન કરવું જેના કારણે તેમની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
મોરબી જીલ્લાના બંને શિક્ષકોની મોરારીબાપુના હસ્તે આપવામાં આવતા ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતાં બંને શિક્ષકોએ મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને મોરબી જિલ્લા/તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બંને શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.