માળીયા : આમરણથી માળીયા હાઇવે પર નીરુબેનનગર ગામના પાટિયા પાસેથી માળીયા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઈસમોને ઝડપી પાડીને દારૂ અને કાર સહીત 5 લાખથી વધુના મુદામાલ કબ્જે કર્યો હતો.
માળીયા મિંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ઝાલા અને જયદેવસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ઈક્કોસ્પોટ કાર (GJ-06-MD-6886) માં ઈંગ્લીશ દારૂ ભરીને આમરણથી માળીયા તરફ આવે છે તેવી ચોક્કસ હકિકત મળતા પોલીસે વોચ ગોઠવીને આરોપી કૃષ્ણદેવસિંહ ગિરવાનસિંહ ગોહીલ (ઉ.વ. 37, ધંધો. નિવૃત આર્મીમેન, રહે. ધારડી તા. તળાજા) અને ચેતનભાઈ ભગતભાઈ બારૈયા (ઉ.વ. 28, ધંધો. મજુરી, રહે. સરતાનપર, તા. તળાજા) ને અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 232 બોટલો સાથે દબોચી લીધા હતા. આ દરોડામાં પોલીસે દારૂ સહીત કાર અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 5,18,300 નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.