મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે પ્રેમ સંબંધની યુવતીના પરિવારજનોને જાણ થઈ જતા યુવતીની માતા અને બે મામાએ યુવકનું અપહરણ કરીને વાડીએ લઈ જઈને ઢોર માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જ યુવાનનું મૃત્યું થતા બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવા કવાયત હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા મિતેશ ભરતભાઈ કુબાવત (ઉં.વ. 21) ને તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જે પ્રેમ સંબંધની જાણ યુવતીના પરિવારજનોને થઈ ગઈ હતી જેથી ગઈકાલે મંગળવારે મિતેષ પોતાનું બાઇક લઇને જતો હતો ત્યારે તેના બાઇકની સાથે બાઇક અથડાવીને યુવતીના પરિવારજનોએ બોલાચાલી કરી હતી અને તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ મિતેષનું અપહરણ કરીને તેને મહેન્દ્રનગર ગામ પાસે આવેલ વાડી વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં યુવતીની માતા અને તેના બે મામાએ મિતેશને ઢોર માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર અર્થે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન જ મિતેષનું મૃત્યું નિપજતા ચકરાર મચી જવા પામી છે. હાલમાં મારામારી બાદ હત્યામાં પલટાયેલા બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તજવીજ શરુ કરી છે.
