મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ત્રણ બુટલેગરોને મોરબી એલસીબીએ પાસા તળે ડિટેઈન કરીને અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે.
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવતા જીલ્લા મેજીસ્ટ્રેટ જે બી પટેલ દ્વારા ત્રણ ગુનેગારોના પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. આ ઈસમો લાંબા સમયથી પ્રોહીબીશનને લગતી ગુનાહિત અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ હોવાથી મોરબી એલસીબી ટીમ દ્વારા અલગ ટીમ બનાવીને જયંતી દેવસીભાઈ ચૌહાણ (રહે. ચીરોડા (ઠા), તા. ચોટીલા), રાજુભાઈ ઉર્ફે જંગી મગનભાઈ સનુરા (રહે. ત્રાજપર, મોરબી) અને સવજીભાઈ ઉર્ફે સજો મેરૂભાઈ વરાણીયા (રહે. ત્રાજપર, તા. મોરબી) ને પાસા તળે ડિટેઈન કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ, જીલ્લા જેલ ભાવનગર અને પોરબંદર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે.