Friday, May 2, 2025

ટંકારામાં ખંડણીના ઈરાદે વેપારી સહિત બે વ્યક્તિઓને પતાવી દેવાની ધમકી : પોલીસ ખંડણીખોરથી વેંત એક દુર હોવાની શક્યતા

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ઈતિહાસમાં ખંડણીનો સૌપ્રથમ બનાવ પોલીસ ચોપડે ચડ્યો !

ટંકારામાં વેપારી સહિત બે વ્યક્તિઓને ખંડણી માંગવાના ઈરાદે અજાણ્યા ખંડણીખોરોએ જુદા જુદા મોબાઈલ ઉપરથી અનેક વખત ફોન કરીને પરીવારને પતાવી દેવાની ધમકી આપતા ભોગ બનનાર બંને વ્યક્તિઓએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે હરકતમાં આવી સાયબર ક્રાઈમની મદદથી ખંડણીખોર સુધી પહોંચવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ટંકારા શહેરના હાઈવે કાંઠે આવેલી ધર્મભક્તિ સોસાયટીમાં વસતા મૂળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પટેલ અરવિંદ સવજીભાઈ કકાસણીયા નામના વેપારીના મોબાઈલ ફોન ઉપર છેલ્લા પાંચેક દિવસ દરમિયાન અનેક વખત અજાણ્યા જુદા જુદા મોબાઈલ ફોનથી અજાણ્યા શખ્સો વારંવાર દસ લાખ રૂપિયા આપવા માંગણી કરી રહ્યા હતા. અજાણ્યા જુદા જુદા શખ્સો દ્વારા ફોન ઉપર જો દસ લાખ રૂપિયા નહીં આપે તો પરીવારને પતાવી દેવાની ધમકી આપી રીતસર ખંડણી માંગવામાં આવતી હતી. આ દરમિયાન કંટાળીને ભોગ બનનારે સ્થાનિક પોલીસને સમગ્ર વ્યથા ઠાલવી હતી.

આ ઉપરાંત, ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મૂળ તાલુકાના મિતાણા ગામના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના એન્જીનીયર તરીકે કામ કરતા પટેલ અશોકભાઈ મોહનભાઈ મુંછાળા દ્વારા પણ પોલીસ મથકે દોડી આવી પોતાને પણ છેલ્લા ત્રણેક દિવસથી ખંડણી માંગતા અજાણ્યા શખ્સના અનેક ફોન આવી રહ્યા છે અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરે છે. નાણા ન આપે તો તેના ખાનગી શાળામાં ભણતા માસુમ કુમળા બાળક સહિત પરીવારના સભ્યોને પતાવી દેવાની ધમકી આપતા હોવાની રાવ કરતા પોલીસ હરકતમાં આવી બંનેની ફરીયાદ નોંધી સાયબર ક્રાઈમની મદદથી ખંડણીખોરો સુધી પહોંચવા બરાબરનો ગાળીયો કસી ભેદ ઉકેલવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પોલીસ અમુક શકમંદો સુધી પહોંચી ગઈ છે !

ટંકારાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ખંડણી ઉઘરાવવા અંગેની ફરીયાદ દાખલ થઈ છે. જોકે, પોલીસે કુનેહપૂર્વક કામ લઈ આરોપીઓને ગંધ ન આવે કે આઘાપાછા ન થાય એવી ચપળતાથી કામ લઈ તેના કોલર સુધી પહોંચવા અમુક શકમંદોને ઉઠાવી લીધા હોવાનું જાણવા મળે છે.

Related Articles

Total Website visit

1,502,687

TRENDING NOW