હળવદ તાલુકામાં હરણફાળ ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે તેવામાં હળવદ તાલુકાના સુંદરગઢ ગામે પેપરમીલ બનાવવામાં આવી છે જે પેપરમીલથી ગ્રામજનોને અતિ દુર્ગંધ સહન કરવી પડતી હોય અને પેપરમીલના વેસ્ટ પાણીથી લોકોને ખેતીમાં નુકસાન થાય છે. નાના બાળકોને અને ગ્રામજનોને ચામડીના રોગ અને આંખના રોગ જેવા રોગોનો ભયંકર ખતરો સેવાય રહ્યો હોવાની ભીતિ છે. આ ઉપરાંત ભારે દુર્ગંધથી લોકોને માથાનો દુખાવો સહન કરવો પડતો હોય છે આવી અનેક સમસ્યાઓને કારણે સુંદરગઢના ગ્રામજનોએ એકઠા થઈને હળવદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું તેમજ તા. 1 મે સુધીમાં યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પર ઉતરી જવાની ચીમકી આપવામાં આવી હતી.
આ વેસ્ટ પાણીના કારણે નદીનું પાણી દૂષિત થતું હોય જેના કારણે ખેતીમાં પણ નુકસાન સહન કરવાની ફરજ પડે છે તેમજ આગામી દિવસોમાં જો આમ જ ચાલ્યું તો ગ્રામજનોએ હિજરત કરવી પડે તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. અનેક વખત રજુઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી જો હવે કોઈ નક્કર પરિણામ ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
