મોરબી : મોરબીના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થી પાસેથી બે ઈસમો સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ અકસ્માત સર્જતા કારમાલિકે તેની પાસેથી પૈસા માંગ્યા હતા ત્યારે બંને ઈસમોએ ટુર્સ ટ્રાવેલ્સના ધંધાર્થીને છરીના ઘા ઝીંક્યા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ નજીક ઇન્દ્રપ્રસ્થનગરમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા દિક્ષીતભાઇ પ્રવિણભાઇ ભાલોડીયા પાસેથી મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા હાર્દિકભાઇ બાબુલાલ ફુલતરીયા અને હાર્દિક શાંતિલાલ કકાણીયાએ ગત તા.18 ફેબ્રુઆરીના રોજ ટાટા નેક્ષોન કાર સેલ્ફ ડ્રાઈવિંગથી રાજકોટ જવા માટે ભાડે મેળવી હતી બાદમાં બંને શખ્સો કાર લઈને આવતા હતા ત્યારે કારને પડધરી નજીક અકસ્માત નડતા કાર ઝાડ સાથે અથડાતા કાર માલિક દિક્ષીતભાઇ પ્રવિણભાઇ ભાલોડીયાએ કારને ગેરેજમાં મુકાવી નિયમ મુજબ સેલ્ફ ડ્રાઈવિંગમાં ગાડી લઇ જનાર હાર્દિકભાઇ બાબુલાલ ફુલતરીયા અને હાર્દિક શાંતિલાલ કકાણીયાને નુકશનના પૈસા આપવા અથવા ગાડી રીપેરીંગ કરાવી આપવા જણાવ્યું હતું.
જો કે અકસ્માત સર્જ્યા બાદ બંને શખ્સો ખર્ચ કે રીપેરીંગ અંગે જવાબ ન આપતા ગાડી માલિક દીક્ષિતભાઈએ હાર્દિક શાંતિલાલ કકાણીયાને ફોન કરતા પૈસા આપવાની ના પાડી દેતા દીક્ષિતભાઈએ હાર્દિક ફુલતરિયાને ફોન કરતા તેને મહેન્દ્રનગર ચોકડી પટેલ પાન પાસે રૂબરૂ આવી જવા કહેતા દીક્ષિતભાઈ મિત્ર સાથે ત્યાં જતા હાર્દિક ફુલતરિયાએ છરીના ઘા ઝીંકી દેતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.