અમિતજી વિંધાણી, હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા યુવકની પત્ની રિસામણે ચાલી ગયેલ હોવાથી યુવાન પત્નીને મનાવીને પરત લેવા સસરાના ઘરે ગયો હતો ત્યારે યુવક અને તેના ભાઈને યુવાનના સાળા અને સસરાએ સાપટીન તથા ધોકા વડે માર મારતા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
હળવદના રણછોડગઢ ગામે રહેતા મહેશભાઈ કરશનભાઈ દેઢારીયાની પત્ની ગત તા. 10 ના રોજ કોઈ કારણોસર રિસામણે ચાલી ગયેલ હતી જેથી મહેશભાઈ તા. 11 ના રોજ પત્નીને મનાવવા માટે તેઓના સસરાના ઘરે ગયા હતા જે બાબતની જાણ મહેશભાઈના ભાઈને થતા તેઓ પણ પોતાના ભાઈના સસરાના ઘરે પહોંચ્યા હતા જ્યાંથી પોતાના ભાઈને પરત ઘરે આવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈને મહેશભાઈના સાળા અજીતભાઈ મુળજીભાઈ વાવેચાએ મહેશભાઈના ભાઈ કાળુભાઈ પર સાપટીન વડે હુમલો કરતા માથામાં ઈજાઓ પહોંચી હતી જ્યારે સસરા પ્રેમજીભાઈ મુળજીભાઈ વાવેચાએ જમાઈ મહેશભાઈ પર ધોકા વડે હુમલો કરતા આંખ પર ઈજાઓ પહોંચી હતી. આ બાબતે હાલમાં કાળુભાઈએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.