મોરબી : માતાના મઢ થી શરૂ થયેલી કરણી સેના દ્વારા આયોજિત એકતા યાત્રાનો રથ મોરબી ખાતે પહોંચ્યો હતો જેનું મોરબીમાં તમામ જ્ઞાતિના લોકોએ હારતોરા કરીને સન્માન કર્યું હતું. અંદાજે 200 થી વધુ કાર અને જીપ આ એકતા યાત્રા રેલીમાં જોડાયેલી જોવા મળી હતી.
આ બાબતે વાત કરીએ તો, કચ્છમાં માતાના મઢ થી તા. 01 મે ના રોજ શરૂ થયેલી કરણી સેના દ્વારા આયોજીત રથયાત્રા નિર્ધારિત કરેલી 12 તારીખને ચાર વાગ્યે મોરબીના સામાકાંઠે સરકારી બહાદુર વિલા સર્કીટ હાઉસ ખાતે પહોંચી હતી ત્યાંથી મહારાણા પ્રતાપ સર્કલ પાસે ક્ષત્રિય સમાજની બહેનોએ કરણી રથયાત્રાના કંકુ ચોખાથી વધામણાં લીધા હતા અને ત્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કરીને રથયાત્રા આગળ વધી હતી.
શક્તિ ચોક, નગર દરવાજા ચોક, રામચોક, નવા બસ સ્ટેન્ડ વગેરે સ્થળોએ એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રા સાથે રહેલા કરણી સેના ગુજરાત પ્રદેશ અગ્રણી જે.પી. જાડેજાએ નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને વંદન કર્યા હતા જ્યાં વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બહુ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો આ એકતા યાત્રા રેલીમાં જોડાયા હતા અને નવા બસ સ્ટેન્ડથી આ એકતા યાત્રા આગળ વધીને શનાળા ગામ પહોંચી હતી જ્યાં રાજપૂત સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કર્યું હતું.






