મોરબી : રાજસ્થાનથી ટ્રકના ટૂલબોક્ષ અને ચોરખાનામાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો મોરબી આવ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ સહિતના પોલીસ કાફલાએ ભરતનગર ગામની સામે આવેલ રામદેવ વે બ્રિજ પાસે છાપો મારીને રોડ ઉપર થંભેલા ટ્રકના ચોરખાનામાંથી રૂ. 2.86 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ વિરલ પટેલને ખાનગી બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે રામદેવ વે બ્રિજ પાસે ટાટા કંપનીના ટ્રેઈલર (RJ-19-GD-5864) માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને મોરબી આપવા આવી એક શખ્સ ટ્રેઇલર પાર્ક કરી ઉભો છે તેવી ચોકકસ બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો કરીને બાતમીવાળા ટ્રેઈલરને પકડી પાડી ચેક કરતા ટ્રેઈલરના પાછળના ભાગે બનાવેલ ચોરખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 444 બોટલો તથા બીયરના 288 ટીન (કીં.રૂ. 2,86,260) ના જથ્થા સહીત ટ્રેઈલર (કીં.રૂ. 10 લાખ) મળી કુલ રૂ. 12,86,260 ના મુદામાલ સાથે ટ્રકચાલક રામચંદ્ર દલારામ વૈષ્ણવ (ઉં.વ. 29, રહે. લાખોણી ગોદારોન કી ઢાણી, નિમ્બલકોટ, તા. સિણધરી, જી. બાડમેર, રાજસ્થાન) ને દબોચી લઈ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને દારૂનો આ જથ્થો કોને મોકલ્યો હતો અને મોરબીમાં કોને આપવાનો હતો તે અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.


