મોરબી : મોરબી સહીત રાજ્યભરમાં છેલ્લા 10 દિવસથી VCE કર્મચારીઓએ રાજ્ય વ્યાપી હડતાલ શરુ કરી છે જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આપવામાં આવતી સેવાઓ સંપૂણ પણે બંધ થઈ ગઈ છે જેથી આ મુદ્દે મોરબીના ભા૨તીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને VCE કર્મચારીઓની હડતાળનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે, હાલ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE તેઓના મંડળના આદેશ અનુસાર તા. 11/05/2022 ને બુધવારથી હડતાલ ઉપર છે. તેઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે સંતોષકારક કામગીરી બજાવે છે, તેઓ દ્વારા વર્ષોથી ગ્રામ પંચાયત, ગ્રામ્ય અરજદારોના કામો તથા સરકારની યોજનાઓના કાર્યો તેમજ સરકાર દ્વારા સોંપવામાં આવેલ અન્ય યોજનાઓ અને કાર્યો પૂરી નિષ્ઠાથી કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ખેડુતોને ધિરાણ ફેરવવાનો, ખાતા બદલવાનો, વારસાઈ એન્ટ્રી કે અન્ય ફેરફારો કરવાનો સમય હોય આ તકે VCE મંડળની હડતાળ ખેડુતો માટે ખુબ હાલાકી રૂપ હોય આ બાબતે ત્વરિત નિરાકરણ આવે તેવી કિસાન સંઘની માંગણી છે.
આ ઉપરાંત જણાવ્યું હતું કે, મોટા ભાગના તાલુકા ઈ-ધરા સેન્ટરો પર સર્વર સ્લો ડાઉનના કારણે ખેડુતોના ૭-૧૨ ના ઉતારા મેળવવામાં હાલાકી પડી રહી છે તથા સેન્ટરો પર મોટી લાઈનો જોવા મળે છે તેનો પણ સત્વરે નિકાલ થાય એવી માંગણી કરી છે.