Saturday, May 3, 2025

મોરબી સહીત રાજ્યભરના સ્ટોન ક્રશર સંચાલકો વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના 45 થી વધુ તેમજ રાજ્યના 3000 જેટલા સ્ટોન ક્રશર એટલે કે કપચીના ભરડીયાના સંચાલકો આર.ટી.ઓ. ની કનડગત અને ખાણખનીજ વિભાગની અવળચંડાઈને પગલે તા. 1 મે થી અચોક્કસ મુદતની હડતાલ ઉતર્યા છે. આ હડતાલને પગલે સમગ્ર રાજ્યમાં બાંધકામ સાઈટો ઉપર કપચી ન પહોંચતા બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થયા છે અને શ્રમિકોની રોજીરોટી પર પણ માઠી અસર પડી છે.

આ હડતાલ અંગે ઉધોગકારોએ જણાવ્યું હતું કે, કવોરી ઉધોગના ખાડા માપણીનો પ્રશ્ન, લીઝ વિના ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝ વગર ન આપવા, કવોરીઝોન ડીકલેર કરવા, ઇસી અને માઈનીંગ પ્લાન્ટ ગૌણ ખનીજમાં નહીં ગણવા, ખાણ ખનીજ અને આરટીઓ જોડાણ અલગ કરવા, મરીન સેન્ડને સરકારી કામોમાં વાપરવી ફરજીયાત કરવી, ખનીજકિંત રૂ. 350 છે જે ખુબ વધારે છે માટે ખરેખર 50 રાખવા માંગ કરી છે. આ બાબતે અગાઉ 5 વર્ષ પહેલા હડતાળ પડી ત્યારે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેથી આંદોલન પાછું ખેચી લેવાયું હતું જોકે આશ્વાસન બાદ સમસ્યાનો ઉકેલ ન આવતા સ્ટોન ક્રશર સંચાલકો ફરી હડતાલ પર ઉતર્યા છે.

કવોરી ઉધોગ બંધ થવાથી કાંકરીની અછત ઉભી થશે અને તેના કારણે રોડ રસ્તા તેમજ બાંધકામ ઉધોગને અસર થશે !

મોરબીના સ્ટોન ક્રશર સંચાલકના જણાવ્યા મુજબ, રાજ્યમાં 3000 જેટલા સ્ટોન ક્રશર આવેલા છે અને એકલા મોરબી જીલ્લામાં 45 જેટલા સ્ટોન ક્રશરમાં 2000 થી 2500 શ્રમિકો તેમજ 1000 જેટલા ટ્રક ચાલકો હડતાલને કારણે બેકાર બન્યા છે. વર્ષે દહાડે સરકારને હજારો કરોડની કમાણી કરાવતા સ્ટોન ક્રશર ઉદ્યોગની વ્યાજબી માંગણીઓ ઉકેલવા ન છૂટકે સ્ટોન ક્રશર સંચાલકોએ હડતાલનો રસ્તો અપનાવ્યો છે.

વધુમાં ક્વોરી સંચાલકોએ મુખ્ય સાત માંગણી સરકાર સામે મૂકી છે, જેમાં છેલ્લા 11 વર્ષથી માંગણીઓનો નિકાલ નહીં થતાં એપ્રિલ માસમાં સ્ટોન ક્રશર સંગઠને હડતાળની ચીમકી સાથે આવેદન આપ્યું હતું આમ છતાં માંગ નહીં સ્વીકારતા રાજ્યના સ્થાપના દિને એટલે કે 1 મે થી ક્વોરી પ્લાન્ટ, ખાણમાંથી પ્રોડક્શન અને સપ્લાય બંધ કરવામાં આવી છે. પરિણામે ખાણમાં કામ કરતા સાધનો અને ક્રશર પ્લાન્ટ ઉપર કામ કરતા મજુરો હાલ બેકાર બની ગયા છે અને હડતાળની અસર રૂપે રાજ્યભરના સરકારી, ખાનગી બાંધકામોના કામ તેમજ રોડ રસ્તાના કામને અસર પડવા લાગી છે.

સ્ટોન ક્રશર અને ક્વોરી સંચાલકોની મુખ્ય માગણીઓમાં ખાડાની માપણી બાબત, ખાનગી માલિકીની જમીનમાં ક્વોલીની લીઝો હરાજી વિના આપવા બાબત, ક્વોરી ઝોન ડિક્લેર કરવા બાબત, ઈ.સી. અને માઈનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા બાબત, ખાણ ખનીજ અને આરટીઓનું જોડાણ અલગ કરવા બાબત, ખનીજની રોયલ્ટી રૂ. 350 છે તે ખરેખર રૂ.50 થાય છે તે ફેરફાર કરવા બાબત તેમજ મશીન સેન્ડને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા માંગ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,712

TRENDING NOW