ઈન્ડુસન્ડ બેંકના મહીલા કર્મચારીએ 15 લાખની રકમની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબીના લાલપર નજીક આવેલ ઈન્ડુસન્ડ બેન્કના એટીએમ કસ્ટોડીયન મહિલા કર્મચારીએ કાંડ કરી નાખી એટીએમ મશીનમાં રહેલી બેલેન્સમાંથી રૂપિયા 15 લાખ બારોબાર કાઢીને વાપરી નાખતા આ મામલે બેંકના ઉપરી અધિકારી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરના રહેવાસી અને ઈન્ડુસન્ડ બેંકની બ્રાંચ રાજકોટમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા હાર્દિકભાઈ માંકડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ રાજકોટ, સુરેન્દ્રનગર, લાલપર મોરબીમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે કાર્યરત હોય જેઓએ લાલપર ગામની બેંકની બ્રાંચના એટીએમમાં બેલેન્સ ચેક કરતા ૧૫ લાખની ઘટ હતી જેથી તપાસ કરતા મહિલા કર્મચારી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર (રહે. સુમતિનાથ સોસાયટી, વાવડી રોડ, મોરબી) એ 15 લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે કાઢી લઈને બેંક સાથે ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ ફરિયાદમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજરે વધુમાં જણાવ્યું છે કે, લાલપર બ્રાંચના એટીએમ કસ્ટોડીયન નેહાબેન ગજ્જર અને જીગ્નેશભાઈ ચંદુભાઈ માનસેતાએ એટીએમ બેલેન્સ સ્લીપ આપેલ જેમાં રૂ. 14,200 ની બેલેન્સ હોવાનું બતાવેલ બાદમાં બ્રાંચ મેનેજર અમરીશ પટેલે એટીએમ બેલેન્સ ચેક કરતા એટીએમમાં રૂ. 16,700 જોવા મળેલ જેમાંથી કસ્ટમર રીજેક્ટ ટ્રાન્જેક્શનના રૂ. 2500 હોવાનું જોવા મળેલ બાદમાં તા. 02 ના રોજ સવારે ફરિયાદી અને બેંકના ઓડીટર કવિતાબેન નથવાણી તેમજ સંદીપભાઈ ભડાણીયા ત્રણેય મોરબી લાલપર ઈન્ડુસન્ડ બેંકમાં બ્રાંચ વિઝીટ કરવા ગયેલ ત્યારે વેરીફીકેશન કરતા તા. 30 એપ્રિલના રોજ એટીએમ બેલેન્સ ચેક કરતા એટીએમમાં રૂ. 18,88,200 રોકડા રૂપિયા હતા અને 3000 રૂપિયા કસ્ટમર ટ્રાન્જેક્શન કેન્સલ થયેલ અને ડિસ્પેન્સ બોક્સમાં પડેલ હતા તેમજ 15 લાખ કેશની શોર્ટેજ હતી જેથી એટીએમ કસ્ટોડીયન જીગ્નેશભાઈ માનસેતા અને નેહાબેન ગજ્જરને પૂછતા નેહાબેને ગલ્લાંતલ્લાં કર્યા બાદ વટાણા વેરી નાખ્યા હતા અને જણાવેલ કે, ગત તા. 27 એપ્રિલના રોજ તેઓએ રૂ. 15 લાખ લીધા હતા અને જવાબદારી નેહાબેને પોતે સ્વીકારી છે જેથી નેહાબેને 15 લાખની રકમની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે મોરબી તાલુકા પોલીસે બેંકના મહિલા કર્મચારી વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.