મોરબી જીલ્લામાં ચોર લૂંટારાઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરી લુંટ જેવા બનાવોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ તસ્કરો ઘર મંદિર કે દુકાનોને નિશાન બનાવતા હતા જોકે હવે પ્રાથમિક શાળા પણ સુરક્ષિત રહી નથી. હાલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો સમય ચાલી રહ્યો હોય જેના કારણે શાળા બંધ છે જેનો લાભ મોરબીમાં તસ્કરોએ ભરપુર ઉઠાવ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને શાળામાં રહેલા મધ્યાહન ભોજનના રસોડા તથા મોટરવાળા રૂમમાં રાખેલ સામાન જેમા સ્ટીલની 265 થાળીઓ (આશરે કીં.રૂ. 5300), એક કુકર (કીં.રૂ. 500), એક તપેલુ (કીં.રૂ. 100), 5 ભાતીયા (કીં.રૂ. 100), એક મોટો ડોયો (કીં.રૂ. 30), 10 નાના ડોયા તથા ચમચી (કીં.રૂ. 130), એક ટીનની ડોલ (કીં.રૂ. 50), એક પ્લાસ્ટીકની ડોલ (કીં.રૂ. 20), એક ઈન્ડીયન ગેસનો બાટલો (કીં.રૂ. 1000) તથા રમતગમતના સાધનો જેમાં એક લાકડાનું કેરમ (કીં.રૂ. 200), 2 લોખંડના બેડમીન્ટન પોલ (કીં.રૂ. 2000), એક લોખંડનો વોલીબોલ પોલ (કીં.રૂ. 1000), એક બેટ (કીં.રૂ. 200), 3 સ્ટમ્પ (કીં.રૂ. 100), એક વોલીબોલ (કીં.રૂ. 100) મળી કુલ રૂ. 10830 નો સામાન રાખી વેકેશન હોવાના કારણે તાળુ મારેલ હોય તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ શાળામાં પ્રવેશ કરી તાળા તોડી સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી આ બનાવ અંગે શાળાના આચાર્ય નયનભાઈ હિંમતભાઈ ભોજાણીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.