સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમગ્ર બનાવની તપાસ કરશે !
હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થવાથી 12 લોકોના મોત થયા હતા જે મામલે હળવદ પોલીસે આઠ જવાબદાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યા બાદ છ આરોપીઓની ધરપકડ કરી છે જયારે કારખાનાના બે ભાગીદારોને ઝડપી પાડવા પોલીસ ટીમ તપાસ ચલાવી રહી છે. આ ગંભીર દુર્ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય તે માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી છે.
હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ ધસી પડતા 9 શ્રમિકો, 2 બાળ શ્રમિકો અને 1 બાળક એમ 12 લોકોના મોત થયા હતા જે બનાવ મામલે કારખાનાના માલિક, સંચાલકો અને સુપરવાઈઝર સહીત આઠ આરોપીઓના નામ જોગ અને તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાની તપાસ માટે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેમાં એસઓજી પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.આલ, પીએસઈ પી.જી.પનારા, આર.બી.ટાપરીયા તથા એસઓજી અને એલસીબી તેમજ હળવદ પોલીસ સ્ટાફને સંયુક્ત રીતે સામેલ કરવામાં આવ્યા છે.
મૃતક શ્રમિકોના પરિવારના સભ્યોના નિવેદનો અને જુદા જુદા સરકારી વિભાગ પાસેથી રીપોર્ટ મંગાવી જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી લેવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન આ દુર્ઘટનાના જવાબદાર આરોપી માલિક અફજલ ઉર્ફે જીવો અલારખાભાઈ ઘોણીયા, સંચાલક વારીસભાઈ ઉર્ફે દેવો અલારખાભાઈ ઘોણીયા, સંચાલક આત્મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઈઝર સંજય ચુનીલાલ ખત્રી, સુપરવાઈઝર મનુભાઈ ઉર્ફે મનોજભાઈ રેવાભાઈ છનુરા અને સુપરવાઈઝર આશીક નુરમહમદ ઉર્ફે નુરાભાઈ સોઢાની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ધરપકડ કરી છે જયારે કારખાનાના બે ભાગીદારો રાજેશકુમાર મહેન્દ્રકુમાર જૈન અને કિશનરામ લાલારામ ચૌધરી હજુ પોલીસ પકડથી દૂર હોવાથી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે બંને આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, દુર્ઘટના સ્થળનો એફ.એસ.એલ. રિપોર્ટ અને રેવન્યુ ડીપાર્ટમેન્ટના ફેકટરી ઇન્સ્પેકટરની વીઝીટ કરાવવામાં આવતા જે દીવાલ એકા-એક ધરાશાયી થઈ હતી તે દીવાલ પાયાવીહોણી તેમજ કોઈપણ જાતના બીમ કોલમ કે આધાર વગરની સિમેન્ટના બેલાની બનાવી ફેકટરીના શેડના ભોંયતળીયા પર સીધી જ ચણેલ હોય જે બાબત કારખાના માલીક, સંચાલકો તથા સુપરવાઇઝરો વગેરે સારી રીતે જાણતા હતા કે દીવાલ ખુબ જ નબળી પાયા વિહોણી બનાવેલ છે તેમ છતા તે દીવાલની લગોલગ દીવાલની ઉંચાઈ કરતા પણ વધુ ઉંચાઈ સુધી મીઠુ ભરેલ બોરીયોની ઉપરા ઉપર થપ્પીઓ મારેલ હતી.