વેપારીના પુત્રએ 10 ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
ટંકારા : હજુ થોડાં દિવસો પહેલાં જ હળવદના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી હોવાના બનાવની શાહી સુકાઈ નથી ત્યાં જ ટંકારામાં બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને રેતી કપચીના વેપારીએ આપઘાત કરી લીધો હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી (ઉં.વ. 52) નામના વેપારીએ કલ્યાણપર ગામે આવેલ રાજેશ્વરી ઓઈલ મિલમાં ગત તા. 14 ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય અને મૃતક જગદીશભાઈએ વ્યાજખોરોના ત્રાસથી આપધાત કર્યો હોવાની સુસાઈડ નોટ લખી હતી જે મામલે ટંકારા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે 10 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
મુતક જગદીશભાઈ જીવાણીના પુત્ર કિશને ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, તેમના પિતાજીને લજાઈના અશ્વિન બાબુભાઇ મસોત પાસેથી નાણાં લેવાના નીકળતા હોવા છતાં અશ્વિન નાણાં આપતો ન હોવાથી ચિંતામાં રહેતા હોવાનું જણાવ્યું હતું ઉપરાંત મોરબી ગુરુકૃપા ફાઇનાન્સ વાળા દિલુભા કણુભા ઝાલા, મીતાણાના બાબલાલ બોરીચા, વિક્રમ જેઠાભાઇ બોરીચા, ટંકારા રાજશક્તિ પાન વાળા માંડાભાઈ ભરવાડ, ટંકારાના દિપક રાણાભાઇ ભરવાડ, સંજય રાણાભાઇ ભરવાડ, નવઘણ રાણાભાઇ ભરવાડ, રામપરના મુન્નાભાઈ તલાસવાળા અને ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ભલાભાઈ ધારાભાઈ ભરવાડ પાસેથી 5 થી 6 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ સહીત નાણા પરત ચૂકવી દીધા હોવા છતાં અવાર નવાર રૂબરૂ તેમજ ટેલિફોનમાં ધમકી આપવામાં આવતી હોય કંટાળી જઈ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું છે.