મોરબી : ગત તા. ૧૮ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત હતી એ દરમિયાન તેઓએ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ ની મુલાકાત લીધી હતી જ્યાં શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ બાબતે રજૂઆતો કરવાની હતી જેમાં મોરબીની શાંતિવન શાળાના આચાર્ય મનન બુધ્ધદેવની પસંદગી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સમક્ષ સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સિસ્ટમ-SAS વિશેની પ્રસ્તુતિ ટીમમાં તેઓએ ઉત્સાહપૂર્વક કામગીરી બજાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને આ મુલાકાતોમાં શિક્ષણ વિભાગની કાર્યશૈલી નિહાળવા વડાપ્રધાને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી જેમાં ગુજરાતની ઉદ્યોગનગરી એવા મોરબી શહેરની શાંતિવન પ્રાથમિક શાળાના એચ. ટાટ. આચાર્ય મનન બુધ્ધદેવ અને તેમની ટીમના સભ્યોએ પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુતિ કરી હતી જે સમગ્ર મોરબી પંથક માટે એક ગૌરવની બાબત બની છે.
સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સિસ્ટમ – SAS દરેક શાળામાં હાલમાં કાર્યરત છે. આ વેબપોર્ટલનો હેતુ શિક્ષકો અને આચાર્યોની વહીવટી કામગીરી સરળ બનાવવામાં ઉપયોગી છે. પહેલાં શિક્ષકોએ હાથે લખીને માસિક હકીકત પત્રક અને પગારબિલ બનાવવા પડતાં હતાં જે હવે ગણતરીની મિનિટોમાં જ ઓનલાઈન તૈયાર થઈ જાય છે. દરેક શિક્ષકને પોતાનો આઈડી અને પાસવર્ડ આપેલ છે જેની મદદથી નોકરીને લગતી તમામ દરખાસ્ત તૈયાર કરી ઓનલાઈન મોકલી શકાય છે. દરેક શાળા અને શિક્ષકોની માહિતીનું વિષ્લેષણકરી શાળાની ભૌતિક અને શૈક્ષણિક જરૂરિયાતોનું આયોજન ઉપલી કચેરીઓ સરળતાથી કરી શકે છે.

આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં 1.2 કરોડ વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સુધારો લાવવા 55000 શાળાઓનું મોનીટરીંગ અને 4 લાખ શિક્ષકોનું હેન્ડ હોલ્ડિંગ અહીંથી થાય છે. વિદ્યાર્થીઓનું નામાંકન, હાજરી, વાંચન, લેખન અને ગણનની મૂળભૂત કુશળતા તેમજ સ્કૂલ એક્રેડિએશન વગેરે કામગીરી અહીંથી થાય છે. AI દ્વારા ડેટાનું એનાલીસિસ થાય છે અને એ પરથી જરૂરી પગલાં માટે વિચારાય છે. વિદ્યાર્થીઓનું આઉટ કમ તપાસવા ભારતનું સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ ડેટા કાર્ડ.. આવી ઘણી આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણનો પાયો અહીં નખાઈ રહ્યો છે.
વડાપ્રધાને ઉપરોક્ત કામગીરીને બિરદાવી હતી અને જે માનવકલાકો બચ્યાં એ વર્ગશિક્ષણ કાર્યમાં ઉપયોગી થશે એમ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેકચર (NDEAR) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેકનોલોજી અને ડેટા સંચાલિત કેન્દ્ર ગાંધીનગર ખાતે પણ નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા હતા ત્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવા કેન્દ્રની મુલાકાત વડાપ્રધાન લઈ રહ્યા હતા ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યના 18 આચાર્ય અને શિક્ષકોને પસંદ કરી અને તેમને પ્રસ્તુતિ માટે નિયુક્ત કર્યા હતા.
આ પ્રસ્તુતિ માટે મોરબીમાંથી મનન બુધ્ધદેવની પસંદગી કરવામાં આવતાં તેઓએ મોરબી અને સમગ્ર રાજ્યના એચ.ટાટ. આચાર્યોનું ગૌરવ વધાર્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ તેમને અભિનંદન પાઠવ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનન બુધ્ધદેવ પાઠયપુસ્તક નિર્માણ સમિતિમાં પણ સદસ્ય છે અને રાજ્યના વિષય નિષ્ણાતોમાંના એક છે જેમની GCERT વારંવાર નોંધ લેતું રહ્યું છે. તેઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક વખત મોરબી અને ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ છે. તેઓની આ વિશેષ સિદ્ધિઓ જોતાં વડાપ્રધાનની સમક્ષ પ્રસ્તુતિ માટે સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલ આચાર્ય અને શિક્ષકોમાં તેમની પસંદગી કરવામાં આવેલ હતી.
