મોરબી જીલ્લા કક્ષાનું ગરીબ કલ્યાણ સંમેલન યોજાયું
મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે વડાપ્રધાનના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે થયેલ સંવાદ કાર્યક્રમ સાથે મોરબી જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના નેતૃત્વમાં ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. ગામડાઓમાં વીજળી, રોડ-રસ્તા, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી અનેક પ્રકારની માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. નારી કલ્યાણ હેતુ સખીમંડળથી લઇને દીકરીઓના અભ્યાસ અને લગ્ન સુધીની સુકન્યા જેવી અનેક યોજનાઓ દેશને ભેટ આપી છે. ગામડે ગામડે અધ્યતન સુવિધાસભર અત્યાધુનિક શાળાઓનું નિર્માણ થયું છે.

ગુજરાતને વિકાસ મોડેલ ગણાવતા ગરીબોના કલ્યાણ અર્થેની વિવિધ યોજાનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર યોજનાઓની વાત કરવી હોય તો સપ્તાહ બેસાડવી પડે. કિસાનોની આવક બમણી કરવા માટે કિસાન સન્માન નિધિ યોજના જેવી અનેક યોજનાઓ આપી, ઉપરાંત કોરોના કાળ દરમિયાન રાષ્ટ્રવ્યાપી રસીકરણ પણ કર્યું. વિશ્વના અન્ય દેશોને રસી આપીને ભારતનો માનવતાવાદી અભિગમ પણ વડાપ્રધાનએ દાખવ્યો હતો. વધુમાં સાંસદે જણાવ્યું હતું કે, આ વણથંભી વિકાસયાત્રામાં સમાજનો કોઇપણ વર્ગ વિકાસ વિહોણો ન રહી જાય તે અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે.
પ્રાસંગિક પ્રવચન આપતા હળવદના ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયાએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે જેથી કોઇ જરૂરીયાતમંદ વંચિત ન રહે. આ તમામ રાષ્ટ્રહિતની યોજનાઓ વડાપ્રધાનની રાષ્ટ્ર ચિંતાને પ્રદર્શિત કરે છે.

આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા ત્યારબાદ વડાપ્રધાનના શીમલામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનના હસ્તે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સમગ્ર દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ૨૧ હજાર કરોડ રૂપિયાથી વધુના અગિયારમાં હપ્તાની સીધી ચૂકવણી ડીબીટી દ્વારા કરવામાં હતી તેમજ કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું જ્યારે જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ દ્વારા આભારવિઘિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરીયા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, નાયબ પોલિસ અધિક્ષક એમ.આઈ.પઠાણ, જિલ્લા પૂરવઠા અધિકારી દેવાંગ રાઠોડ, ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકરજી, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, અગ્રણી સર્વે રણછોડભાઇ દલવાડી, અરવિંદભાઈ વાંસદળીયા, જયુભા જાડેજા, હંસાબેન પારેધી, જિગ્નેશભાઇ કૈલા, મંજૂલાબેન દેત્રોજા સહિત સ્થાનિક પદાધિકારીઓ તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

