મોરબી : મોરબીમાં ચોર લૂંટારાઓને જાણે પોલીસનો ભય ન હોય તેમ બેફામ બન્યા છે ત્યારે મોરબીના શનાળા ગામ નજીક ધોળા દિવસે મોટરસાયકલ પર આવેલો શખ્સ મહિલાના ગળામાંથી સોનાનો ચેન ઝુંટવીને ઓગળી ગયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતા ચેતનાબેન ધર્મેશભાઇ કરકટા ગઈકાલે ટંકારાના કોયલી ગામે પોતાના ભત્રીજા સંજયભાઈ તથા ભત્રીજી પ્રિયાબેનના લગ્નમાં ગયા હતા અને ત્યાંથી ટંકારાના વીરપર ગામે સંજયભાઈની જાનમાં ગયા હતા જ્યાંથી લગ્ન પ્રસંગ પૂર્ણ થતા છોટાહાથીમાં બેસી રાજપર ચોકડી શનાળા પહોંચી તેમના જેઠાણી સાથે ચાલીને જતા હતા ત્યારે જ અચાનક અંદાજે પચીસેક વર્ષની ઉંમરનો યુવાન ગળામાં લૂંગી નાખી ચેતનાબેનની નજીક ધસી આવી ગળામાંથી આશરે નવ તોલાનો સોનાનો પયહાર અને પાટિપારો ઝુંટવીને નાસી ગયો હતો.
વધુમાં ચેતનાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ગળામાંથી સોનાનો હાર અને પાટિપારો ઝુંટવીને આ અજાણ્યો શખ્સ નાસવા જતા તેઓ તેની પાછળ દોડતા ચીલઝડપ કરનાર ઈસમે ચેતનાબેનને પછાડી દેતા ઈજાઓ પહોંચી હતી. વધુમાં આ સોનાનો હાર અને પાટિપારો ચેતનાબેનના ટંકારા ખાતે રહેતા તેમના ભાભીનો હોવાનું અને નવ તોલા વજનના હાર અને પાટિપારો અંદાજે 2.70 લાખની કિંમતનો હોવાનું જાહેર કર્યું છે.
હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ચેતનાબેન ધર્મેશભાઇ કરકટાની ફરિયાને આધારે આશરે પચીસ વર્ષની ઉંમરના અજાણ્યા કોફી કલર જેવો શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ અને ગળામાં કપડાની લુંગી બાંધીને મોટર સાયકલ સાથે આવેલ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.